ગુજરાત પોલીસમાં 12,977 ભરતી: કોન્સ્ટેબલથી PSI સુધી યુવાનો માટે મોટી તક
12,752 લોકરક્ષક અને 225 PSIની જગ્યાઓ ભરાશે, ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત
ગાંધીનગર.....
ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટી ભરતીનો રસ્તો ખુલ્યો છે. રાજ્યમાં લોકરક્ષક કેડર અને બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સહિત કુલ 12,977 જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતીમાં લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓનો સમાવેશ થાય છે. જેમાં 8,233 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 1,132 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને 3,107 SRPF કોન્સ્ટેબલની જગ્યાઓ છે.
આ ઉપરાંત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 225 જગ્યાઓ પણ ભરવામાં આવશે. આમ કોન્સ્ટેબલથી લઈને PSI સુધી પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી થવા જઈ રહી છે.
પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે તક
પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાત મહત્વની બની છે. ભરતીમાં શારીરિક કસોટીની સાથે લેખિત પરીક્ષા પણ મહત્વની રહેશે. ઉમેદવારોએ દોડ, કસરત અને લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી પડશે.
સત્તાવાર જાહેરાતની રાહ
હાલ ભરતીની જગ્યાઓ અંગે જાહેરાત કરવામાં આવી છે. જ્યારે લાયકાત, વયમર્યાદા, શારીરિક ધોરણો, પરીક્ષાની તારીખ અને ઓનલાઈન અરજીની પ્રક્રિયા અંગેની વિગતવાર માહિતી સત્તાવાર ભરતી જાહેરાતમાં જાહેર કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરતી અંગેની માહિતી આપતા ઉમેદવારોને તૈયારીમાં લાગી જવા જણાવ્યું છે. સાથે જ ભરતીના નામે કોઈ વચેટિયા કે એજન્ટની લાલચમાં ન આવવા પણ સૂચના આપી છે.