દિવાળીના મિની વેકેશન બાદ મંત્રીઓ-IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે, વાઇબ્રન્ટ સમિટ માટે રોકાણ લાવવાની કવાયત તેજ
ગાંધીનગર...
દિવાળીના મિની વેકેશન બાદ ગુજરાત સરકારના મંત્રીઓ અને IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે રવાના થયા છે. જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં વધુમાં વધુ રોકાણ લાવવા માટે સરકાર દ્વારા વિદેશી રોકાણકારો સાથે સંપર્ક અને બેઠકોની કવાયત શરૂ કરવામાં આવી છે.
કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ ફ્રાન્સ, જર્મની અને નેધરલેન્ડના પ્રવાસે રવાના થયું છે. આ ટીમ 23 નવેમ્બરે પરત ફરશે. અગાઉ આ પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમના સ્થાને પ્રદ્યુમન વાજાનું નામ નક્કી થતાં તંત્રમાં દોડધામ મચી હતી.
બીજું પ્રતિનિધિમંડળ શિક્ષણ વિભાગના સચિવ મિલિંદ તોરણેની આગેવાની હેઠળ આફ્રિકાના પ્રવાસે જશે. આ પ્રવાસ બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ત્રીજું પ્રતિનિધિમંડળ નેધરલેન્ડના પ્રવાસે જશે, જેમાં મહેસૂલ વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ પણ જોડાશે.
વિદેશ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળો સ્થાનિક ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકો કરશે. ગુજરાતમાં રોકાણ માટેની વિવિધ પોલિસી, ઉદ્યોગલક્ષી તકો અને રાજ્ય સરકારની સુવિધાઓ અંગે માહિતી આપીને નવા રોકાણને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શૃંખલા અંતર્ગત સરકાર દ્વારા રોકાણ આકર્ષવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે.