IPS સફિન હસન ગરબે ઘૂમ્યા, વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડમાંથી કાઢવાના ફરમાનો વચ્ચે બજરંગ દળનું મૌન
આમાં શું કહેશો, કાજલબહેન? | IPS સફિન હસન મોજથી ગરબે ઘૂમ્યા VHP ત્યાં કેમ ચૂપ?
પોલી ભીંતમાં જ ખીલી વાગે, નક્કર કોંક્રિટની ભીંત હોય ત્યાં ખીલી મારી શકાતી નથી. ગુજરાતનાં કેટલાંય ગરબા ગ્રાઉન્ડમાંથી વિધર્મીઓને કાઢવાના મુદ્દે આક્રમક વલણ દાખવનાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને ય એ કહેવત સમજાઈ ગઈ હશે. કારણ કે મહિસાગર જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા સફિન હસન પોલીસ હેડક્વાર્ટરમાં આયોજિત ગરબામાં મોજથી ગરબે ઘૂમતાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વડોદરાના ગરબામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સોફિયા અન્સારીએ પણ હિન્દુવાદી સંગઠનોની ધમકીની અવગણના કરીને ગરબે ઘૂમવાનો આનંદ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ ખાતે આદિત્ય ગઢવી જ્યાં મુખ્ય ગાયક છે એ 'રંગ મોરલા' ગરબામાં હિન્દુવાદી સંગઠનોની ધમકીને લીધે આર.જે. આકાશે સ્ટેજ પર આવીને વિધર્મીઓ જો ગ્રાઉન્ડમાં હોય તો તેમને સ્થળ છોડી જવા કહ્યું હતું. એ પછી વિવાદ સર્જાતા આદિત્ય ગઢવી અને આરજે આકાશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે અંગત રીતે આ વલણ સાથે સંમત ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
પરંતુ એ પછી હિન્દુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીએ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને આદિત્ય ગઢવી કે હાર્દિક દવે જેવા ગાયકોએ પોતાની બહેન-દીકરીઓને વિધર્મીઓ સાથે ગરબે રમાડવી જોઈએ એવો ઉગ્ર મત વ્યક્ત કર્યો હતો.
અગાઉ ભાવનગરના રંગોલી ગરબા ગ્રાઉન્ડમાં વર્ષોથી સંગીત આપનાર અસલમ એન્ડ અસલમ બેન્ડને બહાર કાઢવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો ભગવો ખેસ પહેરીને ધસી ગયા હતા અને આયોજકો સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા.
આવી દરેક ઘટનાઓને લપડાક મારે એવા દૃષ્યો આઠમા નોરતે મહિસાગર પોલીસ દ્વારા આયોજિત ગરબામાં જોવા મળ્યા હતા, જેમાં એસ.પી. સફિન હસન પોતે ટ્રેડિશનલ કપડાંમાં ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓ હવે સવાલ કરી રહ્યા છે કે પ્રસિદ્ધિ મેળવવા માટે જ્યાં-ત્યાં દેખાવો કરવા પહોંચી જતાં હિન્દુવાદી સંગઠનો અને કાજલ હિન્દુસ્તાની જેવા કથિત નેતાઓ IPS અધિકારીને વિધર્મી કહીને બહાર કાઢવાની ધમકી આપી શકશે?