જામનગરમાં લાંચિયો અધિકારી 8 લાખ લેતા પકડાયો,અમદાવાદનો આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર સકંજામાં
જામનગરમાં ACBની ટીમે અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને રૂ.8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઇન્કમટેક્સ રિટર્નનું બંધ થઈ ગયેલું એસેસમેન્ટ ઓડિટ ફરીથી ન ખોલવાના બદલામાં લાંચ માંગવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.
પકડાયેલા અધિકારીની ઓળખ વિનસકુમાર અમરચંદ સાવરીયા (ઉંમર 44 વર્ષ) તરીકે થઈ છે. તેઓ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ઓડિટ ભવનમાં PD Central હેઠળ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO), વર્ગ-2 તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.
શું હતો સમગ્ર લાંચનો મામલો?
મળતી માહિતી અનુસાર, ફરિયાદીની ઓફિસના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ 2024-25 દરમિયાન ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું હતું. આ રિટર્નને લગતી ક્વેરીનું નિરાકરણ થઈ ચૂક્યું હતું અને એસેસમેન્ટની કાર્યવાહી પણ પૂર્ણ થઈ ગઈ હતી.
જોકે, આ બંધ થઈ ગયેલા એસેસમેન્ટ ઓડિટને ફરીથી રિઓપન ન કરવામાં આવે તે માટે આરોપી અધિકારીએ ફરિયાદી પાસે રૂ.8 લાખની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર ACBનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
જામનગર-રાજકોટ હાઇવે પર ACBનું છટકું
ફરિયાદ મળ્યા બાદ જામનગર ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 નવેમ્બરના રોજ જામનગર-રાજકોટ હાઇવે પર ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં ત્રિમંદિર જવાના સાઇનબોર્ડ પાસે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
આ દરમિયાન આરોપી અધિકારી ફરિયાદી સાથે પોતાની કારમાં વાતચીત કરી રૂ.8 લાખની લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
લાંચની સંપૂર્ણ રૂ.8 લાખની રકમ રિકવર
ACBની કાર્યવાહી દરમિયાન લાંચ તરીકે સ્વીકારવામાં આવેલી રૂ.8 લાખની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી છે. આ સમગ્ર ટ્રેપમાં જામનગર ACBની ટીમ સાથે રાજકોટ ACB યુનિટના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો હતો.
આ કાર્યવાહી બાદ આરોપી સામે ભ્રષ્ટાચાર સંબંધિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે આગળની તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે.