"ધંધો મૂકી માણાવદર છોડી દેજે!" ભાજપ MLA અરવિંદ લાડાણીએ યુવકને ફડાકા ઝીંકી ગાળો આપી
વંથલીથી માણાવદર જઈ રહેલા યુવકને રસ્તામાં આંતરી ધારાસભ્યએ જાહેરમાં દાદાગીરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ; દહેશતના કારણે પીડિત પરિવારે ઘરવખરી પેક કરી હિજરતની તૈયારી શરૂ
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પીડિત પાટીદાર યુવક બાઈક પર વંથલીથી માણાવદર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે તેનો ભેટો થયો હતો. કોઈ બાબતનો જૂનો ખાર રાખીને ધારાસભ્યએ યુવકને રસ્તામાં આંતર્યો હતો અને કંઈ સમજે તે પહેલાં જ તેના પર ગાળોનો વરસાદ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય અત્યંત રોષે ભરાયેલા જોવા મળે છે અને યુવક પર હાથ ઉપાડી ફડાકા મારતા નજરે પડે છે.
સ્થાનિક સૂત્રો અને મીડિયા અહેવાલો અનુસાર, નવરાત્રિ દરમિયાન આ યુવકે 'ગોધરીયો' શબ્દનો પ્રયોગ કર્યો હતો, જે વાતનો ખાર રાખીને આ બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી યુવકને ઉદ્દેશીને "તારા બાપની ગરબી છે?" તેમ કહીને માર મારતા સંભળાય છે. આટલેથી ન અટકતા, ધારાસભ્યએ મા-બહેન સામે અત્યંત અપમાનજનક ગાળો ભાંડી યુવકને "તારો ધંધો મૂકીને માણાવદરમાંથી નીકળી જજે" અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
દહેશતમાં આવેલા યુવકે ઘર છોડવાની તૈયારી કરી:
એક ચૂંટાયેલા જનપ્રતિનિધિનું આવું ઉગ્ર અને ભયજનક રૂપ જોઈને પીડિત યુવક અને તેનો પરિવાર ભારે દહેશતમાં મુકાયો છે. જાનથી મારી નાખવાની અને માણાવદર છોડી દેવાની ધમકી મળતા યુવકે સુરક્ષાના ડરથી ગામ છોડવાનો નિર્ણય લીધો છે. યુવકે પોતાના પરિવાર સાથે ઘરવખરી અને તમામ સામાનનું પેકિંગ પણ કરી લીધું હોવાની વિગતો સામે આવી છે.
બીજી તરફ, આ સમગ્ર વિવાદ અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાનો બચાવ કરતા મારપીટની ઘટનાનો સ્વીકાર કર્યો છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, "હા, મેં તેને બેથી ત્રણ લાફા માર્યા છે. આ યુવક મારા વિરુદ્ધ ઘણા અપશબ્દો બોલતો હતો અને મારા વિરોધની વાતો કરતો હતો, જેના કારણે આ ઝઘડો થયો હતો."