નાના ચિલોડામાં વાસ્તુપૂજનમાં દારૂ પાર્ટીનો મામલો; BJPનાં ધારાસભ્યની કાર્યક્રમમાં હાજરી
પાયલ કુલકર્ણીએ કાર્યક્રમના ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા અમદાવાદ: નાના ચિલોડા પાસે યોજાયેલા વાસ્તુપૂજન અંગે મળેલી માહિતી મુજબ, કાર્યક્રમમાં ખુલ્લેઆમ કોકટેલ બનાવવામાં આવ્યું હતું અને મહિલાઓએ બિયરના ટીન સાથે ડીજેના તાલે ડાન્સ કર્યો હતો. પાર્ટીના વીડિયો વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂકવામાં આવ્યા હતા. આ જ વાસ્તુપૂજનમાં ભાજપનાં ધારાસભ્ય પાયલ કુલકર્ણીની હાજરીની વિગતને પગલે કાર્યક્રમના ઘટનાક્રમ અને પોલીસની કાર્યવાહી અંગે સવાલ ઊભા થાય છે.
વાસ્તુપૂજનના કાર્યક્રમમાં કોકટેલ પાર્ટી
નાના ચિલોડામાં ફાલ્ગુની પરમાર નામની મહિલાએ વાસ્તુપૂજનના પ્રસંગમાં કોકટેલ ( મિક્સિંગ દારૂ ) તૈયાર કરવામાં આવ્યો અને બિયરના ટીન સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. ધાર્મિક કાર્યક્રમની સાથે દારૂની પાર્ટીની વિગતો ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે સવાલ ઊભો કરે છે. કાર્યક્રમના આયોજક કોણ હતા અને ત્યાં દારૂ કેવી રીતે પહોંચ્યો, તે પોલીસની તપાસના મુખ્ય મુદ્દા છે કે પછી હપ્તા આતા હૈ તો અમે ચુપ રહેના હૈ જેવો ઘાટ સ્થાનિક પોલીસનો થયો છે.
બિયરના ટીન સાથે ડાન્સ, વોટ્સએપ સ્ટેટસમાં વીડિયો
મહિલાઓ બિયરના ટીન સાથે ડીજેના તાલે ડાન્સ કરતી જોવા મળે છે. કોકટેલ બનાવવાના અને પાર્ટીના વીડિયો વોટ્સએપ તથા અન્ય સોશિયલ મીડિયા સ્ટેટસમાં મૂકવામાં આવ્યા હતા. આ વીડિયો કયા એકાઉન્ટમાંથી મૂકાયા, ક્યારે ઉતારવામાં આવ્યા અને તેમાં કોણ દેખાય છે, તેની તપાસથી સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે છે.
MLA પાયલ કુલકર્ણીનું શાલ ઓઢાડીને સ્વાગત
ભાજપનાં ધારાસભ્ય પાયલ કુલકર્ણીએ વાસ્તુપૂજનમાં હાજરી આપી હતી. ત્યાં તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેના ફોટા તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. તેમની હાજરીનો સમય અને પાર્ટીનો સમય શું હતો? દારૂ પીરસાવાની બાબત તેમના ધ્યાન પર આવી હતી કે નહીં? આ મુદ્દે ધારાસભ્યે જવાબ આપવો પડશે અને પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે.
પોલીસની તપાસ અને કાર્યવાહી અંગે સવાલ
કાર્યક્રમ અંગે સ્થાનિક પોલીસ સુધી માહિતી પહોંચી હતી? વોટ્સએપ સ્ટેટસમાં મૂકાયેલા વીડિયો પોલીસના ધ્યાન પર આવ્યા હતા? આયોજકો અને પાર્ટીમાં સામેલ લોકો અંગે તપાસ થઈ છે? કોઈ ગુનો નોંધાયો છે કે અન્ય પગલાં લેવાયાં છે? સ્થાનિક પોલીસે આ પ્રશ્નોના જવાબ સાથે પોતાની કાર્યવાહી જાહેર કરવી જોઈએ.