દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો શતાયુ વર્ષમાં પ્રવેશ, PMએ કહ્યું, 'શૂન્યમાંથી સર્જન કરનાર રાજપુરુષ'
ભાજપના પાયાના પથ્થર તરીકે સંઘર્ષ કરીને સર્વોચ્ચ સ્થાને પહોંચાડનાર દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે 99 વર્ષ પૂર્ણ કરીને શતાયુ વર્ષમાં પહોંચ્યાં છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક પત્ર લખીને અડવાણીજીના પ્રદાનને વંદન કર્યા હતા અને તેમને શૂન્યમાંથી સર્જન કરનાર વિરલ રાજપુરુષ ગણાવ્યા હતા.
વિભાજન પહેલાંના કરાચીમાં જન્મેલા લાલકૃષ્ણ અડવાણી બાળવયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. બાદમાં દ્વિતિય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર (ગુરુજી)ની સુચનાથી જનસંઘની જવાબદારી સંભાળી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બલરાજ મધોક, અડવાણી અને અટલબિહારી વાજપેયીની ત્રિપુટીએ જનસંઘના મૂળિયા ઊંડા નાંખવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો. બાદમાં જનસંઘમાંથી ભાજપનો જન્મ થયો હતો.
ભાજપની વિચારધારા ઘરે ઘરે પહોંચાડવા માટે અડવાણીએ અથાક જહેમત ઊઠાવી હતી. આક્રમક હિન્દુવાદી વિચારધારા અને અનુશાસનના આગ્રહી અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી જેનાં કારણે ભાજપ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં અત્યંત પ્રભાવશાળી બન્યો હતો.
પહેલી વાર ભાજપને સત્તા હાંસલ થઈ ત્યારે અડવાણી વડાપ્રધાનપદના દાવેદાર મનાતા હતા પરંતુ ગઠબંધનના સાથીપક્ષોને ધ્યાનમાં રાખીને તેમનાં બદલે વાજપેયીની પસંદગી થઈ હતી. ત્યારથી પ્રસાર માધ્યમોએ તેમને 'પીએમ ઈન વેઈટિંગ'નું બિરુદ આપ્યું હતું જે કદી સાકાર થઈ શક્યું નહિ. 2014ની ચૂંટણીમાં ભાજપ ગઠબંધન બહુમતી મેળવે અને અડવાણી જ વડાપ્રધાન બને એવી પૂરી શક્યતાઓ વચ્ચે નરેન્દ્ર મોદીએ અચાનક બાજી પલટી નાંખી હતી. ત્યારથી ભાજપના માર્ગદર્શક મંડળના વરિષ્ઠ સભ્ય તરીકે અડવાણીની ભૂમિકા મર્યાદિત થઈ રહી છે.