PM મોદીનું ગુજરાતમાં ડિનર ડિપ્લોમસી: મંત્રીઓ સાથે બેઠક, સરકાર અને સંગઠનના સંકલન પર થશે ખાસ ચર્ચા
રાજભવમાં મંત્રીઓ સાથે PM કરશે વાળુ | તમામ મંત્રીઓ સાથે ડિનર બેઠક દરમિયાન સરકારની કામગીરી, વિભાગોની પ્રગતિ અને સરકાર-સંગઠન વચ્ચેના સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે | પીએમ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ખાસ બેઠક કરે તેવી સંભાવના
ગાંધીનગર......
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ ગાંધીનગર લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓ સાથે ખાસ ડિનર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મંત્રીઓને સાંજે લોકભવન ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી જાણવા મળી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે રાત્રે અમદાવાદથી સીધા ગાંધીનગર રાજ ભવન પહોંચશે. જ્યાં ખાસ આયોજિત ડિનર બેઠકમાં મંત્રીઓ સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરશે. સાથે સાથે તમામ મંત્રીઓના વિભાગની કામગીરીની સમીક્ષા પણ PM હાથ ધરશે.
ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરી, મહત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ્સની પ્રગતિ તેમજ સરકારની આગામી કામગીરી અંગે ચર્ચા કરે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે જ સરકાર અને સંગઠન વચ્ચેના સંકલનને લઈને પણ પીએમ મોદી વિશેષ ચર્ચા કરશે. આ ઉપરાંત ગુજરાતના વિકાસ બાબતે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અલગથી બેઠક કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
નોંધનિય છેકે આજે રાજભવનમાં આયોજિત ડિનર ડિપ્લોમાસી માટે મંત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ડિનર બેઠકમાં માત્ર મંત્રીઓની હાજરી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાની ચર્ચા છે. ત્યારે આજની આ મહત્વની બેઠક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
ઉલ્લેખનીય છેકે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ ગાંધીનગર સુધી મર્યાદિત રહ્યો છે. ત્યારે તેમના આ પ્રવાસ બાદ પીએમ 14 નવેમ્બરની સવારે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ દિલ્હી જવા રવાના થશે. ત્યારે આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી મંત્રીઓ સાથેની આ બેઠકને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.