રાજભવનમાં PM મોદી હાંસિયામાં ધકેલાયેલા નેતાઓને કેમ મળ્યાં? સરકાર, સંગઠનમાં પરિવર્તન?
હજુ પંદર દિવસ પહેલાં બનાસકાંઠામાં ખાટલાબેઠક કરી ગયેલાં વડાપ્રધાન ફરી એક વાર ગુજરાતના મહેમાન બન્યા છે. ગાંધીનગર ખાતે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સાથે મીટિંગ કરવા ઉપરાંત કેટલાંક એવા નેતાઓને પણ સમય ફાળવ્યો, જે લાંબા સમયથી ભાજપની સક્રિય રાજનીતિના પડદા પરથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જૂનાં દિગ્ગજોને યાદ કરવા પાછળ શું તર્ક હોઈ શકે એ વિશે રાજકીય ચર્ચાએ તેજ બની છે.
ટૂંકા ગાળામાં વડાપ્રધાનની બીજી મુલાકાતથી વહેલી ચૂંટણીની ચર્ચાએ વેગ પકડ્યો છે. મોદીએ જેમને મળવા માટે સમય ફાળવ્યો એ દરેક દિગ્ગજ નેતાઓનો એક સમયે દબદબો હતો. બાદમાં વિવાદાસ્પદ બનવાના કારણે કે નવી કેડરને તક આપવાના નામે તેમનું પત્તુ કપાઈ ગયું હતું.
સૌરભ પટેલઃ લાંબા સમય સુધી પ્રધાનમંડળના કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સૌરભ પટેલ કેટલાંક વિવાદો પછી હાલ ધારાસભ્યપદે પણ નથી. પોતાના જૂનાં મતવિસ્તાર બોટાદ સાથે તેમનો જનસંપર્ક હવે નહિવત્ત રહ્યો છે. પરંતુ વહીવટી દક્ષતાના મામલે સૌરભ પટેલ આજે પણ અજોડ અને ઉર્જાવાન નેતા ગણાય છે. ઉદ્યોગગૃહો સાથેની સૌરભ પટેલની ઘનિષ્ઠતા જાણીતી છે.
પ્રફુલ પટેલઃ રાજભવનમાં પ્રફુલ પટેલની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીએ ચર્ચા જગાવી છે. દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે લાંબા સમયથી ભારે કડકાઈપૂર્વક કામગીરી બજાવી રહેલા પ્રફુલ પટેલ મોદીના મનમાં રહેલી યોજનાઓને સાકાર કરવામાં બહુ જ કાબેલ હોવાનું મનાય છે. ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમની કામગીરી પણ નોંધપાત્ર રહી હતી.
હરિન પાઠકઃ ગુજરાતમાં ભાજપના સંઘર્ષકાળના નેતા તરીકે હરિન પાઠકે લોકસભામાં લાંબા સમય સુધી અમદાવાદનું પ્રતિનિધિત્વ કર્યું છે અને અટલબિહારી વાજપેયીની સરકારમાં મંત્રી પણ હતા. રાજનીતિમાં મોદીની ચડતી કળા શરૂ થઈ એ સાથે હરિન પાઠક પડદા પાછળ ધકેલાઈને હવે લગભગ વિસરાઈ ચૂક્યા છે ત્યારે મોદી ફરીથી તેમને મળે એ બહુ સૂચક મનાય છે.
ભરત બારોટઃ દરિયાપુરાના ધારાસભ્ય તરીકે લાંબા સમય સુધી ભાજપના નિષ્ઠાવાન નેતા રહી ચૂકેલા ભરત બારોટ અમદાવાદ શહેરની રાજનીતિ પર મજબૂત પકડ ધરાવે છે. વિદ્યાર્થી રાજનીતિથી પ્રવેશ કરનાર ભરત બારોટ ઘણાં સમયથી સત્તાના પરિદૃષ્યની બહાર છે પરંતુ સંગઠનમાં તેમની પકડ આજે પણ જૂનાં જાણકારો વખાણે છે.
પ્રદીપ પરમાર: અસારવા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર તેજમિજાજ અને કોરોનાકાળ દરમિયાન પોલીસ સાથે તોછડાઈના મામલે ચર્ચામાં આવ્યા હતા અને બાદમાં તેમની ટીકિટ કપાઈ ગઈ હતી. હવે વડાપ્રધાન તેમને કેમ સમય ફાળવે એ મુદ્દો ચર્ચાનો વિષય છે.