'PM મોદી રૂ. ૮૦૦૦ આપશે' મેસેજ આવે તો સાવધાન, એ સાઈબર ફ્રોડ છે, લૂંટાઈ જશો
- દિવાળી સહાયનો વાઈરલ મેસેજ સાઈબર ફ્રોડનો નવો તુક્કો
લોકોની લાલુચ વૃત્તિનો ફાયદો ઊઠાવવા મથતાં સાઈબર ગઠિયાઓએ નવો તુક્કો અજમાવ્યો છે. દિવાળીના તહેવારો નિમિત્તે વડાપ્રધાન મોદી દરેકના બેન્ક એકાઉન્ટમાં રૂ. 8000 જમા કરશે એવો મેસેજ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રોકડ સહાયનો આ મેસેજ ફરતો થતાં ગુજરાત પોલીસની સાઈબર ક્રાઈમ શાખાએ જાહેર ચેતવણી પાઠવી છે. તેમણે આ મેસેજને બનાવટી, તરકટી અને છેતરપીંડી હોવાનું જાહેર કરીને લોકોને લાલચમાં ન આવવાની ચેતવણી આપી છે.
આ અંગે માહિતી આપતાં DCP સાયબર ક્રાઈમ લવીના સિંહાએ સ્પષ્ટતા કરી છે કે, સરકાર દ્વારા આવી કોઈ યોજનાની જાહેરાત નથી કરવામાં આવી. આ સાયબર ગઠિયાઓ દ્વારા અજમાવાયેલું નવું તિકડમ છે જે લોકોના બેન્ક એકાઉન્ટ સાફ કરી નાંખે છે ઉપરાંત સોશિયલ મીડિયા મારફત મોબાઈલ પણ હેક કરી શકે છે.
છેતરપીંડીની મોડસ ઓપરેન્ડી મુજબ, સાઈબર ગઠિયાઓ :
- લાલચ જાગે એવા હેડિંગથી ક્લિક કરવા માટે લોભાવે છે.
- લિન્ક પર ક્લિક કરવાથી યુઝરનો મોબાઈલ નંબર માંગવામાં આવે છે.
- યુઝરના વોટ્સએપમાં લિંક ડિવાઈસ ફીચરનો ઉપયોગ કરીને 8 આંકડાનો કોડ દાખલ કરવામાં આવે છે.
- યુઝર કોડ એન્ટર કરે કે તરત વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ જાય છે.
- મોબાઈલ પણ હેક થઈ શકે છે. મોબાઈલમાં ગેલેરી, ડોક્યુમેન્ટ્સ સહિતનો તમામ ડેટા હેકરના કબજામાં જતો રહે છે.
- ફોન પે ના નામે એક નકલી apk ફાઈલ મોકલીને ડાઉનલોડ કરાવે છે. આ ફાઈલ ફોનમાં ઇન્સ્ટોલ થતાં જ હેકર્સને યુઝરને ફોનના એસએમએસ, બેન્કિંગ ઓટીપી અને પ્રાઈવેટ ડેટાનો સીધો એક્સેસ મળી જાય છે. જે બાદ તે ગણતરીની મિનિટોમાં જ બેન્ક એકાઉન્ટની તમામ રકમ સફાસટ્ટ કરી શકે છે.
આટલી કાળજી રાખોઃ
- તમારા વોટ્સએપના 'Linked Devices' ઓપ્શનમાં જઈને તપાસો કે કોઈ અજાણ્યું ડિવાઈસ લિંક તો નથી ને? જો હોય તો તુરંત જ લોગઆઉટ કરો.
- વોટ્સએપ કે ટેલિગ્રામ પર આવતી કોઈપણ અજાણી APK ફાઈલ ભૂલથી પણ ડાઉનલોડ ન કરો.
- રૂ. 8 હજારની સહાયવાળો મેસેજ ન તો ઓપન કરો કે ન તો અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરો.
- કોઈપણ સરકારી યોજનાની માહિતી માત્ર સત્તાવાર સરકારી વેબસાઈટ પર જ ચકાસો.