રાજકોટ RTOની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશ! 40 વર્ષ જૂના કેસમાં ₹1.31 કરોડની વસૂલાત
સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચેના ચાર દાયકાથી વધુ જૂના પેમેન્ટ વિવાદમાં હવે રાજકોટમાં મોટો કાનૂની વળાંક આવ્યો છે. વર્ષ 1982માં સરકારને ઓટોમેટિક વે-બ્રિજ સપ્લાય કરનાર રીગલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના બાકી પેમેન્ટની વસૂલાત માટે રાજકોટની સિવિલ કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું છે. વ્યાજ સહિત કુલ ₹1,31,88,992ની વસૂલાત માટે કોર્ટના અધિકારીઓ સાથે અરજદાર રાજકોટ RTO કચેરી પહોંચ્યા હતા.
આ કાર્યવાહીથી સરકારી કચેરીમાં પણ ચર્ચા શરૂ થઈ છે. RTO અધિકારીઓ દ્વારા હેડ ઓફિસની મંજૂરી મેળવી 15 દિવસમાં ચુકવણી અથવા આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી હોવાનું અરજદાર વિજય જમનભાઈ વડાલિયાએ જણાવ્યું છે.
1982માં સરકારને બે ઓટોમેટિક વે-બ્રિજ સપ્લાય કર્યા હતા
આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 1982માં થઈ હતી. રીગલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકારને બે ફુલ્લી ઓટોમેટિક વે-બ્રિજ સપ્લાય કરવામાં આવ્યા હતા. આ મશીનો ભીલડ અને શામળાજી ચેકપોસ્ટ માટે આપવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટના 16 ફેબ્રુઆરી 2024ના ચુકાદામાં નોંધાયેલા કેસની વિગતો અનુસાર, બંને વે-બ્રિજની ક્ષમતા 60 મેટ્રિક ટન હતી અને તેમની કિંમત ₹3.77 લાખથી વધુ નક્કી કરવામાં આવી હતી.
વે-બ્રિજ સપ્લાય કર્યા બાદ બાકી રહેલા પેમેન્ટને લઈને વિવાદ શરૂ થયો હતો. કંપની તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ બાકી રકમની ચુકવણી ન થતાં આખરે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
ટ્રાયલ કોર્ટથી હાઈકોર્ટ સુધી ચાલી લાંબી લડત
બાકી પેમેન્ટનો વિવાદ વર્ષો સુધી કાનૂની પ્રક્રિયામાં અટવાયેલો રહ્યો હતો. રાજકોટની સિવિલ કોર્ટથી શરૂ થયેલો આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સરકાર તરફથી પણ અલગ-અલગ તબક્કે અપીલ કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટે 16 ફેબ્રુઆરી 2024ના રોજ State of Gujarat v. Regal Scale Industries કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં બાકી રકમ અને વિલંબિત ચુકવણી પર લાગુ પડતા વ્યાજના કાયદાકીય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
અરજદાર પક્ષના જણાવ્યા મુજબ, હાઈકોર્ટના આદેશ બાદ પણ સંપૂર્ણ ચુકવણી ન થતાં વસૂલાત માટે રાજકોટની સિવિલ કોર્ટમાં સ્પેશિયલ દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી.
₹1.31 કરોડની વસૂલાત માટે જપ્તી વોરંટ
અરજદાર વિજય જમનભાઈ વડાલિયાના જણાવ્યા મુજબ, મૂળ બાકી પેમેન્ટ અને તેના પર લાગેલા વ્યાજની ગણતરી કરતાં હવે કુલ વસૂલાતપાત્ર રકમ ₹1,31,88,992 થઈ છે.
અનેક રજૂઆતો છતાં નાણાંની ચુકવણી ન થતાં રાજકોટની સિવિલ કોર્ટ દ્વારા જંગમ મિલકતની જપ્તી માટે વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
આ વોરંટની અમલવારી માટે કોર્ટના અધિકારીઓ સાથે વિજયભાઈ વડાલિયા રાજકોટ RTO કચેરી પહોંચ્યા હતા. અહીં સરકારી કચેરીની જંગમ મિલકતો દ્વારા બાકી રકમની વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
RTO અધિકારીઓએ માગ્યો 15 દિવસનો સમય
RTO કચેરીમાં કોર્ટના વોરંટ સાથે ટીમ પહોંચતાં અધિકારીઓ દ્વારા હેડ ઓફિસની મંજૂરી મેળવવાની રજૂઆત કરવામાં આવી હતી. અરજદારના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓને ચુકવણી અથવા આગળની કાનૂની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. હવે આ સમયગાળામાં સરકાર બાકી રકમ ચૂકવે છે કે પછી આગળની કાનૂની પ્રક્રિયાનો માર્ગ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.
40 વર્ષની લડતથી આર્થિક અને માનસિક મુશ્કેલીઓ
અરજદાર વિજયભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે, આ પેમેન્ટ મેળવવા માટે તેમને લગભગ ચાર દાયકાથી વધુ સમય સુધી કાનૂની લડત લડવી પડી છે. આ દરમિયાન તેમને આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, એક તરફ સરકાર MSME અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને સમયસર પેમેન્ટ માટે પરિપત્રો બહાર પાડે છે, જ્યારે બીજી તરફ કોર્ટના આદેશ છતાં સરકારી પેમેન્ટ માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે.
તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે સામાન્ય નાગરિક RTOમાં ₹100થી ₹500નો દંડ ન ભરે તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી થાય છે, પરંતુ સરકારી વિભાગના બાકી નાણાં માટે આટલી લાંબી રાહ કેમ જોવી પડે?
હવે સરકાર પાસે બે વિકલ્પ: ચુકવણી કે અપીલ?
આ સમગ્ર મામલે હવે આગામી 15 દિવસ અત્યંત મહત્વના બની ગયા છે. એક તરફ અરજદાર કોર્ટના આદેશ મુજબ બાકી રકમની વસૂલાતની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ સરકાર પાસે કાયદાકીય રીતે આગળના ઉપાયો અપનાવવાની શક્યતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકાર બાકી રકમ ચૂકવવાનો નિર્ણય લે છે કે કોર્ટના આદેશ સામે અપીલનો માર્ગ અપનાવે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.