નર્મદા મુદ્દે દાયકાઓ જૂના પ્રશ્નોના ઉકેલની દિશામાં પ્રગતિ, દિલ્હીમાં RCNCAની 15મી બેઠક યોજાઈ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા; અગાઉના સમજૂતી કરારને અનુમોદન અપાયું
ગાંધીનગર...
નર્મદા સંબંધિત દાયકાઓ જૂના પ્રશ્નોના સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક દિલ્હીમાં સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં યોજાઈ હતી. બેઠકમાં નર્મદા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને અગાઉ થયેલા સમજૂતી કરાર (MoU)ને અનુમોદન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
બેઠક દરમિયાન નર્મદા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે પરસ્પર સમજણ અને સહમતી સાધવા માટે ચર્ચા કરવામાં આવી હતી. દાયકાઓથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ ઉપરાંત, નર્મદા સંબંધિત અન્ય મોટા અને બાકી રહેલા મુદ્દાઓના નિરાકરણ માટે પણ ભવિષ્યમાં સંવાદ, પરસ્પર સમજણ અને સહયોગના અભિગમ સાથે આગળ વધવા અંગે સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.
કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન વધારીને નર્મદા સંબંધિત પ્રશ્નોનો સહમતીપૂર્વક ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવાનો અભિગમ આ બેઠકમાં જોવા મળ્યો હતો.