ગુજરાતનાં પાંચ પવિત્ર યાત્રાધામોમાં નવ દિવસ ગરબા યોજાશે, ₹2.90 કરોડના ખર્ચને મંજૂરી
ગાંધીનગર: ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ-2026 દરમિયાન રાજ્યનાં પાંચ પ્રખ્યાત પવિત્ર યાત્રાધામોમાં નવ દિવસ ગરબાના કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો માટે કુલ ₹2.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત અંબાજી, બહુચરાજી, ઉનાઈ, મોઢેરા અને ઊંઝા ખાતે નવરાત્રિ દરમિયાન ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
નવરાત્રિ મહોત્સવ અંતર્ગત નીચેના પાંચ દેવસ્થાનોમાં ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે:
- અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ
- ઉનાઈ: ઉનાઈ માતાજી મંદિર, વાંસદા
- મોઢેરા: શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર
- બહુચરાજી: શ્રી બહુચરાજી માતાજી મંદિર
- ઊંઝા: શ્રી ઉમિયા માતાજી મંદિર
આ પાંચેય સ્થળોએ ગરબાના આયોજન માટે કલાકારોના ખર્ચ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ સહિત કુલ ₹2.90 કરોડ ખર્ચવાની મંજૂરી આપવામાં આવી છે.
એક દિવસના બદલે નવ દિવસ કાર્યક્રમોનું આયોજન
હાલની જોગવાઈ મુજબ આ યાત્રાધામોમાં એક દિવસીય નવરાત્રિ કાર્યક્રમ યોજવાની વ્યવસ્થા હતી. હવે નવરાત્રિના સમગ્ર નવ દિવસ દરમિયાન ગરબાના કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ધાર્મિક પ્રવાસન અને લોકસંસ્કૃતિને વેગ આપવાનો હેતુ
આ આયોજન અંતર્ગત સ્થાનિક શ્રદ્ધાળુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી આવતા મુલાકાતીઓને નવરાત્રિ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. સાથે જ ગુજરાતના લોકકલાકારોને પોતાની કલા રજૂ કરવા માટે મંચ ઉપલબ્ધ થશે. નવરાત્રિ દરમિયાન આ પાંચેય યાત્રાધામોમાં ગરબાના કાર્યક્રમો દ્વારા ધાર્મિક પરંપરા અને ગુજરાતની લોકસંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.