ગુજરાત પોલીસમાં મરામતની નવી SOP: ₹19 કરોડના ખર્ચની સમીક્ષા બાદ મોટો નિર્ણય
4,789 મરામતનાં કામો પાછળ ₹19 કરોડનો ખર્ચ, જેમાંથી 86% કામો ત્રણ ક્વોટેશનથી થયાં હતાં; હવે સામગ્રીની સીધી ખરીદી કરીને સ્ટોકમાં રાખવાની પદ્ધતિ અમલી બનશે | સ્ટોક રજિસ્ટર અને નિયમિત ચકાસણી ફરજિયાત, ₹50 હજારથી વધુનાં કામો માટે ખાસ મરામતની પ્રક્રિયા
ગાંધીનગર....
ગુજરાત પોલીસના રહેણાંક મકાનો અને કચેરીઓમાં મરામતનાં કામો ઝડપથી થાય, ગુણવત્તા જળવાય અને વહીવટી પ્રક્રિયામાં સમયનો વ્યય ઘટે તે માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. નવી પદ્ધતિ હેઠળ હવે મરામતનાં કામો માટે ત્રણ ક્વોટેશન મેળવવાને બદલે જરૂરી ચીજવસ્તુઓનાં ત્રણ ક્વોટેશન મેળવી સામગ્રીની ખરીદી કરીને સ્ટોકમાં રાખવાની વ્યવસ્થા અમલી બનશે.
₹19 કરોડના ખર્ચમાં 86% કામો ત્રણ ક્વોટેશનથી થયાં
વર્ષ 2025-26 દરમિયાન ચાલુ મરામત ગ્રાન્ટ હેઠળ થયેલાં કામોની સમીક્ષામાં સામે આવ્યું હતું કે, કુલ 4,789 કામો પાછળ આશરે ₹19 કરોડનો ખર્ચ થયો હતો. તેમાંથી 4,119 કામો માટે ₹17.48 કરોડનો ખર્ચ થયો હતો, જે કુલ કામોના આશરે 86 ટકા થાય છે. આ કામો ત્રણ ક્વોટેશન મેળવીને કરવામાં આવ્યાં હતાં.
આ પદ્ધતિમાં મંજૂરી મેળવવામાં સમય લાગતો હોવાની સાથે વહીવટી મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને મરામતની કામગીરી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા નવી SOP અમલમાં મૂકવામાં આવી છે.
હવે સામગ્રીની ખરીદી કરીને સ્ટોકમાં રાખવાની વ્યવસ્થા
નવી SOP મુજબ સિવિલ અને ઇલેક્ટ્રિકલ મરામત માટે જરૂરી સામગ્રીનાં ત્રણ ક્વોટેશન મેળવી ખરીદી કરવાની રહેશે. ખરીદેલી સામગ્રીનો પૂરતો જથ્થો કચેરીમાં રાખવાનો રહેશે, જેથી નળમાં લીકેજ, લાઇટ-પંખા બંધ થવા, વાયરિંગમાં ખામી કે પાઇપલાઇન લીકેજ જેવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય.
સામગ્રી અધિકૃત ડીલરો પાસેથી સ્પર્ધાત્મક દરે ખરીદવાની રહેશે. આ વ્યવસ્થાથી મરામત માટે વારંવાર ક્વોટેશન મેળવવાની પ્રક્રિયા ઘટશે અને ગુણવત્તાયુક્ત સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન મળશે.
સ્ટોક રજિસ્ટર અને ભૌતિક ચકાસણી ફરજિયાત
નવી SOP હેઠળ તમામ કચેરીઓએ ખરીદેલી સામગ્રીનો નિયત નમૂના મુજબ સ્ટોક રજિસ્ટર અને ઇશ્યૂ રજિસ્ટર નિભાવવાનું રહેશે. સ્ટોકની ચકાસણી માટે પણ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
- દર મહિને : પાંચમી તારીખ સુધી વર્ગ-1 અથવા વર્ગ-2ના અધિકારીએ સ્ટોકની ભૌતિક ચકાસણી કરીને પ્રમાણપત્ર આપવાનું રહેશે.
- દર ત્રણ મહિને : કચેરીના વડાએ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની 10મી તારીખ સુધીમાં જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે.
- ફરિયાદોનું રજિસ્ટર : રહેણાંક મકાનો અને કચેરીઓની મરામત અંગે મળતી ફરિયાદો તથા તેના નિરાકરણની વિગતો અલગ રજિસ્ટરમાં નોંધવાની રહેશે.
₹50 હજારથી વધુનાં કામો માટે અલગ પ્રક્રિયા
મરામતનાં કામો માટે શ્રમ અને રોજગાર વિભાગના દૈનિક વેતનના દર મુજબ અર્ધકુશળ શ્રમિકોની મદદ લેવાની રહેશે.
જે મોટાં કામો માત્ર સામગ્રી ખરીદવાથી પૂર્ણ થઈ શકે તેમ ન હોય અને તેના માટે ત્રણ ક્વોટેશન મેળવવાની જરૂર પડે, તેવા કિસ્સામાં કામ શરૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારી, એટલે કે પોલીસ કમિશનર અથવા રેન્જ વડાની લેખિત પૂર્વમંજૂરી લેવી ફરજિયાત રહેશે.
₹50 હજારથી વધુનાં કામોને ખાસ મરામત તરીકે ગણવામાં આવશે. આવા કામો માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રહી દરખાસ્ત મોકલવાની રહેશે.
મરામતનાં કામોમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો પ્રયાસ
નવી SOPનો મુખ્ય ઉદ્દેશ મરામતની કામગીરીમાં થતો સમયનો વ્યય ઘટાડવા ઉપરાંત સામગ્રીની ગુણવત્તા અને હિસાબી વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવાનો છે. જરૂરી સામગ્રી અગાઉથી ઉપલબ્ધ હોવાથી પોલીસ મથકો, પોલીસ લાઇનો અને રહેણાંક મકાનોમાં ઊભી થતી સામાન્ય સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવી શકાશે.
સાથે જ સ્ટોકની નિયમિત ચકાસણી, ફરજિયાત રજિસ્ટર અને ફરિયાદોના રેકોર્ડની વ્યવસ્થાથી જવાબદારી નક્કી કરવામાં મદદ મળશે. આ નવી વ્યવસ્થા રાજ્યભરમાં પોલીસ વિભાગની મિલકતોની જાળવણી વધુ અસરકારક બનાવવાના હેતુથી અમલમાં મૂકવામાં આવી છે.