સુરતમાં ભાજપના હોદ્દેદારના ઘરેથી 645 દારૂની બોટલો ઝડપાઈ! પુત્ર વોન્ટેડ, ભાજપ સંગઠને ફટકારી નોટિસ
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેર ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય મોદીના ઘરેથી પોલીસે વિદેશી દારૂની 645 બોટલો ઝડપી પાડી છે. આ કાર્યવાહી બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે આ કેસમાં વિજય મોદી અને કરણ પાનવાલાની ધરપકડ કરી છે, જ્યારે વિજય મોદીનો પુત્ર રાજ મોદી ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
લક્ષ્મીભવનના મકાનમાં ચાલતો હતો દારૂનો વેપલો?
આ સમગ્ર મામલો સુરતના લાલગેટ વિસ્તારના ખાંડ બજારનો છે. અહીં SMC પાર્કિંગ પાછળ આવેલા લક્ષ્મીભવનના પ્રથમ માળે વિજય મોદી અને તેમના પુત્ર રાજ મોદી રહેતા હતા. મળતી માહિતી પ્રમાણે, લાલગેટ પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લક્ષ્મીભવનના એક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે અને ત્યાં દારૂના પેકિંગની કામગીરી પણ ચાલી રહી છે.
બાતમીના આધારે PSI એસ.એ. અસારી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે મકાનમાં પહોંચી ત્યારે અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
645 બોટલો સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 645 બોટલો કબજે કરી હતી. આ દારૂની કિંમત અંદાજે રૂ.2,65,519 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત પોલીસે રૂ.35,000ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આમ, દારૂ અને મોબાઈલ સહિત કુલ રૂ.3,00,519નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે 62 વર્ષીય વિજય રતિલાલ મોદી અને 29 વર્ષીય કરણ રાકેશભાઈ પાનવાલાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ મુજબ કરણ પાનવાલા વ્યવસાયે રત્નકલાકાર છે અને દારૂના પેકિંગ તથા વેચાણની કામગીરીમાં સંડોવાયેલો હોવાનો આરોપ છે.
પુત્ર રાજ મોદી સામે અગાઉ પણ 11 ગુના નોંધાયા હોવાનો ખુલાસો
આ સમગ્ર કેસમાં સૌથી વધુ ચર્ચા વિજય મોદીના પુત્ર રાજ મોદીની થઈ રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, દરોડા દરમિયાન રાજ મોદી પોલીસના હાથે લાગ્યો નહોતો. તેથી તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, રાજ મોદી સામે અગાઉ પણ પ્રોહિબિશન સંબંધિત 11 જેટલા ગુના નોંધાયેલા છે. આ ગુનાઓ સુરતના લાલગેટ, રાંદેર, ખટોદરા, ઓલપાડ, પલસાણા, DCB સહિત નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આ ઉપરાંત વર્ષ 2021માં લાલગેટ પોલીસ અને વર્ષ 2023માં રાંદેર પોલીસ દ્વારા રાજ મોદી સામે PASA હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, ઝડપાયેલા કરણ પાનવાલા સામે પણ અગાઉ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
ભાજપ સંગઠને વિજય મોદીને ફટકારી કારણદર્શક નોટિસ
આ ઘટનામાં રાજકીય રીતે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઝડપાયેલા વિજય મોદી સુરત શહેર ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી હોવાનું સામે આવ્યું છે. ભાજપના સ્થાનિક હોદ્દેદારનું નામ દારૂના કેસમાં સામે આવ્યા બાદ સુરત શહેર ભાજપ સંગઠને વિજય મોદીને કારણદર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવા અંગે સાત દિવસમાં લેખિત ખુલાસો આપવા જણાવાયું છે.
હવે જોવાનું એ રહેશે કે વિજય મોદી સંગઠન સમક્ષ શું જવાબ આપે છે અને ત્યારબાદ ભાજપ દ્વારા તેમની સામે કેવા પ્રકારનાં શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે છે.