TAT-HSના પરિણામ સામે ઉમેદવારોમાં રોષ, ગેરરીતિના આક્ષેપો સાથે રિચેકિંગની માંગ
ગાંધીનગર....
TAT-HS પરીક્ષાના જાહેર થયેલા પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિણામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષા અને પેપર તપાસણીની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે.
ઉમેદવારોનો આક્ષેપ છે કે સંયુક્ત ગુણ દર્શાવવાને બદલે અલગ-અલગ ગુણ દર્શાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે, જેના કારણે પરિણામની પારદર્શિતા અંગે ખુદ ઉમેદવારોએ પ્રશ્નો ઉભા કર્યા છે. સાથે જ પરીક્ષા સંબંધિત નિયમો યોગ્ય રીતે જાહેર કરવામાં આવ્યા ન હોવાનો પણ ઉમેદવારોએ દાવો કર્યો છે.
ઉમેદવારોએ પેપર તપાસણીની પ્રક્રિયાની સમીક્ષા કરવાની તેમજ પુરવણીનો નાશ ન કરવામાં આવે તેવી માંગ પણ કરી છે, પરિણામ અંગે ઉઠેલા સવાલોને પગલે રિચેકિંગની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
ઉમેદવારોનું કહેવું છે કે તેમની રજૂઆતો અને માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરી રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ વિરોધ નોંધાવવામાં આવશે.