વાહ સરકારઃ TMCમાં હતા તો યુસુફ પઠાણને નોટિસ આપી, NDAમાં આવ્યા તો પ્લોટ આપી દીધો
પોઈન્ટર્સ :
૧. પોતાનાં ઘરને અડીને આવેલો 978 ચો.મિ. પ્લોટ યુસુફે માંગ્યો ત્યારે સરકારે આપ્યો નહિ
૨. હવે 500 ચોરસ મીટર ભેટ અને બાકીની જમીન રાહતભાવે આપવાની દરખાસ્ત
સત્તાસ્થાને બેઠેલાંઓ કાયદા, કાનૂનને કેવી રીતે તોડી-મરોડી શકે તેનો ઉઘાડો નમૂનો ક્રિકેટર યુસુફ પઠાણના કિસ્સામાં જોવા મળે છે. યુસુફ પઠાણના કબજા હેઠળનો વડોદરાનો 978 ચોરસ મીટરનો પ્લોટ ફાળવવાની માંગણી સરકારે રદ કરી હતી અને ગેરકાયદે કબજાની નોટિસ પણ આપી હતી. હવે યુસુફ પઠાણે રાજકારણમાં પાટલી બદલી તો સરકારે રાતોરાત નિયમો પણ બદલી નાંખ્યાં છે. સરકારના આ વલણથી યુસુફ પઠાણને અંદાજે રૂ. ૧૫ કરોડનો ફાયદો થયો હોવાનું માનવામાં આવે છે.
શું છે સમગ્ર મામલો?
વડોદરાના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને 2024માં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાંથી પ. બંગાળની બહેરામપુરા બેઠક પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. એ વખતે પોતાના મકાનને અડીને આવેલ પ્લોટ ફાળવવાની તેમની માંગણી પેન્ડિંગ હતી. પરંતુ ભાજપના કટ્ટર હરીફ પક્ષના સાંસદ હોવાનું કારણ હોય કે અન્ય કંઈ, સાંસદ બન્યા પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ઠરાવ પસાર કરીને યુસફનો કબજો ગેરકાયદે ગણાવી પ્લોટ ખાલી કરવા તેમને નોટિસ પાઠવી હતી.
યુસુફે મન બદલ્યું, સરકારે નિયમ બદલ્યા
પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીના પરાજય પછી તેમનાં પક્ષના સાંસદોએ પક્ષાંતર કર્યું તેમાં યુસુફ પઠાણ પણ સામેલ હતા અને અલગ ચોકો રચીને તેમણે સત્તાધારી ગઠબંધન NDAને ટેકો આપી દીધો. એ પછી હવે સરકાર જાણે તેમને વળતર ચૂકવી રહી હોય તેમ પોતે જ જેની કિંમત અંદાજે રૂ. 20.53 કરોડ આંકી હતી એ પ્લોટ યુસુફ પઠાણને ફાળવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી દીધી છે. દરખાસ્ત મુજબ, 978 ચોરસ મીટર પૈકી 500 ચો. મીટર યુસુફ પઠાણને ભેટ આપવામાં આવશે અને બાકીની જમીન રાહતભાવે કિંમત વસૂલવામાં આવશે .