આંદોલનના નેતાઓના પસ્તાવાની ભીતરમાં, હવે આનંદીબહેન માટે પસ્તાવો કેમ?
- હાર્દિક, રેશમા, વરુણ, અલ્પેશ સૌએ આંદોલનનો ફાયદો મેળવ્યો, બાંભણિયા એક જ બસ ચૂકી ગયા હતા
- આનંદીબહેનની માફી માંગીને આડકતરી રીતે હાર્દિકને અળખામણો બનાવવાની સ્ટ્રેટેજી
જસદણ ખાતે યોજાયેલ સખી સ્નેહમિલન કાર્યક્રમના એજન્ડામાં દૂર દૂર સુધી ન હોય એવો મુદ્દો ગુજરાતની રાજનીતિમાં ચર્ચાસ્પદ બની ગયો છે. પાટીદાર અનામત આંદોલન સાથે સક્રિય રીતે સંકળાયેલા દિનેશ બાંભણિયાએ મંચ પરથી આનંદીબહેનની માફી માંગવા માટે મુલાકાત કરાવવા અનાર પટેલને કહ્યું એ સાથે અનામત આંદોલન સાથે સંકળાયેલા સૌ કોઈ નિવેદનબાજીમાં ઉતરી પડ્યા છે. ચૂંટણી ટાણે ફરીથી આનંદીબહેન નામનું હુકમનું પત્તુ બાજીમાં મૂકાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.
બાંભણિયાનું અચાનક કેમ હૃદય પરિવર્તન થયું?
પાટીદાર અનામત આંદોલનના નેતૃત્વ સાથે સક્રિય રીતે સંકળાયેલા લગભગ દરેકે અલગ અલગ સમયે પોતપોતાની રીતે રાજકીય રોટલા શેકી લીધાં છે. હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા અને ભાજપમાં પ્રવેશીને ધારાસભ્ય પણ બની ગયા. વરુણ પટેલ અને રેશમા પટેલ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં જોડાઈ ગયા અને પ્રવક્તાપદનો લાભ મેળવ્યો. અલ્પેશ કથિરિયા આપમાં જોડાઈને ચૂંટણી હાર્યા પછી ભાજપમાં જોડાયા. એકમાત્ર દિનેશ બાંભણિયા સમયસર નિર્ણય ન કરી શક્યા અથવા તો ખેંચતાણ કરવામાં જોર ન કરી શક્યા. હવે તેઓ નવેસરથી મુદ્દો ધગાવીને પોતે જે ચૂકી ગયા એ સત્તાની બસ ફરીથી પકડવા ધારતા હોય તેમ મનાઈ રહ્યું છે.
તો જવાબદાર કોણ?
ભાજપના ધારાસભ્ય તરીકે હાર્દિક પટેલે બાંભણિયાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'આંદોલનનો હેતુ આનંદીબહેનના રાજીનામું મેળવવાનો ન હતો.' બાદમાં સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી દેસાઈ, પૂર્વિન પટેલે પણ એમ જ કહ્યું. અલ્પેશ કથિરિયાએ પણ દિલગીરી વ્યક્ત કરી. પરંતુ જેમની સામે તમે આંદોલન કરી રહ્યા હોવ એને તમારા આંદોલનથી અસર થશે એવો વિચાર ત્યારે ન્હોતો આવ્યો? આ સવાલનો જવાબ એ દરેક નેતાઓ ટાળી ગયા છે.
રેશમા પટેલ ક્યાં ખોવાયાં છે?
આંદોલનના મહિલા ચહેરા તરીકે લાઈમલાઈટમાં રહેતાં રેશમા પટેલ આંદોલનકારીઓને છેહ આપીને ભાજપમાં જોડાયા. ચૂંટણી પછી ભાજપે આપેલાં વચનો માળિયે ટિંગાડી દીધા એટલે નારાજ થયેલાં રેશમા એનસીપીમાં જોડાયા. ત્યાં શંકરસિંહને ગોડફાધર બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કારી ન ફાવી એટલે આમઆદમી પાર્ટીમાં જોડાયા અને વિસાવદરની પેટાચૂંટણીમાં ટિકિટ વાંચ્છુક મનાતાં હતાં. પરંતુ ત્યાં ગોપાલ ઈટાલિયા આવી ગયા એ પછી રેશમા પટેલ હવે પાર્ટીની સક્રિયતાથી અને જાહેરજીવનથી દૂર થઈ રહ્યાં હોવાનું જણાય છે. હાલની નિવેદનબાજીમાં પણ તેમની કેફિયત જોવા મળી નથી.