ગુજરાત ભાજપમાં ‘પાવર ગેમ’ શરૂ? 2027 પહેલાં જૂના જોગીઓનું કમબેક, પ્રદેશ પ્રમુખ બદલાવની ચર્ચાએ વધારી ગરમી!
સરકાર-સંગઠનના તાલમેલના નામે શરૂ થયેલી કવાયત પાછળ મોટું રાજકીય ગણિત? જૂના નેતાઓને ફરી મેદાનમાં ઉતારીને ભાજપ શું સંદેશ આપવા માગે છે?
ગાંધીનગર.....
ગુજરાત ભાજપમાં 2027ની ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજકીય ચેસબોર્ડ પર ચાલ અત્યારથી શરૂ થઈ ગઈ હોવાનું ચિત્ર ઊભું થયું છે. એક તરફ સરકારની કામગીરીનું માઇક્રો-મોનિટરિંગ, બીજી તરફ સંગઠનની નવેસરથી ગોઠવણી અને હવે જૂના જોગીઓને ફરી જવાબદારી આ બધું માત્ર ચૂંટણીની તૈયારી નથી, પરંતુ ભાજપની અંદરની પાવર બેલેન્સિંગની કવાયત હોવાની ચર્ચા તેજ બની છે. પૂર્વ નેતાઓની વાત કરીએ તો
આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગોરધન ઝાડફિયા જેવા અનુભવી નેતાઓની ફરી સક્રિયતા સૌથી મોટો રાજકીય સંકેત બની છે. સવાલ એ છે કે ભાજપને અચાનક ફરી આ જ જૂની ટીમની જરૂર કેમ પડી?
ઓલ્ડ ગાર્ડ’ની એન્ટ્રી પાછળ શું ગણિત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન જૂના નેતાઓ સાથે થયેલા સંપર્ક અને ત્યારબાદ તેમની વધતી સક્રિયતાને રાજકીય વર્તુળો અલગ નજરે જોઈ રહ્યા છે.
કારણ કે ચૂંટણી જીતવા માટે માત્ર નવી ટીમ પૂરતી નથી હોતી. જ્યારે સંગઠનને પોતાના જ ગ્રાઉન્ડ નેટવર્ક, જૂના કાર્યકરો અને સ્થાનિક રાજકીય સમીકરણોની ફરી જરૂર પડે ત્યારે ‘ઓલ્ડ ગાર્ડ’ની યાદ આવે છે.
આથી હવે સૌથી મોટો રાજકીય સવાલ એ છે કે ભાજપ જૂના અનુભવી નેતાઓને માત્ર કાર્યક્રમોની જવાબદારી આપી રહ્યું છે કે 2027 પહેલાં તેમને ફરી સત્તાના રાજકીય માળખામાં મહત્વનું સ્થાન આપવાની તૈયારી છે?
પ્રદેશ પ્રમુખનો મુદ્દો હવે માત્ર અટકળ નથી?
જગદીશ વિશ્વકર્માને બદલવાની ચર્ચાએ આ સમગ્ર કવાયતને વધુ રાજકીય બનાવી દીધી છે.
હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય નથી. પરંતુ જો પ્રદેશ સંગઠનમાં ફેરફાર થાય, તો તેની અસર માત્ર પ્રમુખ બદલવા પૂરતી નહીં રહે. સંગઠનની આખી ટીમ, જવાબદારીઓ અને ચૂંટણીલક્ષી કમાન્ડ સ્ટ્રક્ચરમાં ફેરફારની શક્યતા ઊભી થઈ શકે છે.
એટલે જ પ્રદેશ પ્રમુખના મુદ્દાને હવે 2027 પહેલાંના મોટા સંગઠનાત્મક રિ-અલાઇનમેન્ટ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
CMનો આદિવાસી પ્રવાસ: વિકાસ કે ચૂંટણીનું ‘ગ્રાઉન્ડ ટેસ્ટિંગ’?
મુખ્યમંત્રીના 72 કલાકના આદિવાસી પ્રવાસ બાદ મંત્રીઓ પણ આદિવાસી વિસ્તારોમાં ગામડે ગામડે પહોંચી રહ્યા છે. સરકાર તરફથી તેને લોકો સુધી પહોંચવાની કામગીરી તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ રાજકીય રીતે તેનો બીજો અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.
આદિવાસી પટ્ટામાં સરકારની સ્વીકાર્યતા કેટલી છે ? સ્થાનિક અસંતોષ ક્યાં છે ? સંગઠન ક્યાં નબળું છે? અને 2027માં કયા મુદ્દા ભાજપ માટે પડકાર બની શકે?
આ સવાલોના જવાબ મેળવવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે.
ભાજપની ચિંતા વિપક્ષ નહીં, ‘ગ્રાઉન્ડ પરની હવા’ છે?
ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં રહેલા ભાજપ માટે સૌથી મોટો પડકાર વિપક્ષ કરતાં પણ એન્ટી-ઇન્કમ્બન્સી, સ્થાનિક અસંતોષ અને સંગઠનની અંદરની ખેંચતાણ બની શકે છે.
એટલે જ હાલ ભાજપ એકસાથે ત્રણ મોરચે કામ કરતો દેખાઈ રહ્યો છે. સરકારની કામગીરીનું મૂલ્યાંકન, સંગઠનની પુનઃગોઠવણી અને સામાજિક સમીકરણોની ચકાસણી.
પાટીદાર ફેક્ટર ફરી ગરમાયું, એટલે સમીકરણો પણ બદલાશે?
પાટીદાર આંદોલનના જૂના ચહેરાઓ વચ્ચેનું પોસ્ટર યુદ્ધ પણ રાજકીય રીતે નાનું ઘટનાક્રમ નથી. આ હલચલ જો આગળ વધે અને કોઈ નવા સામાજિક-રાજકીય ધ્રુવીકરણનું સ્વરૂપ લે, તો ભાજપ સહિત તમામ પક્ષોએ પોતાના સમીકરણો ફરીથી ગોઠવવા પડે તેવી સ્થિતિ બની શકે છે.
આખરે મોટો સવાલ ‘ચેન્જ’ ક્યાં થશે?
હાલની તમામ ગતિવિધિઓને સાથે મૂકીએ તો એક વાત સ્પષ્ટ થાય છે—ગુજરાત ભાજપ 2027 માટે માત્ર ચૂંટણીની તૈયારી નથી કરી રહ્યું; તે પોતાની અંદરની રાજકીય ગોઠવણી પણ ચકાસી રહ્યું છે.
જૂના જોગીઓની વાપસી, નવા ચહેરાઓની ભૂમિકા, પ્રદેશ સંગઠન અંગેની ચર્ચા, આદિવાસી પટ્ટામાં વધતી સક્રિયતા અને સરકાર સાથે સંગઠનના તાલમેલ પર ભાર...
આ બધું મળીને એક જ સવાલ ઊભો કરે છે:
“2027 પહેલાં ગુજરાત ભાજપમાં માત્ર ચહેરા બદલાશે કે આખી પાવર ગેમનું ગણિત બદલાશે?”
આગામી થોડા મહિનામાં જો સંગઠન સ્તરે મોટા નિર્ણયો લેવાય, તો આજની આ સક્રિયતા માત્ર શરૂઆત સાબિત થઈ શકે છે.