પહેલાં સતુભા, હવે પથુભાઃ જેલમાં મૃત્યુનો કેસ સૌરાષ્ટ્રની રાજનીતિ માટે કેમ મહત્વપૂર્ણ બનશે?
લેન્ડ ગ્રેબિંગ કેસમાં સંડોવાયેલ દરેક આરોપી ક્ષત્રિય સમાજના માંડ ભૂલાયેલો પાટીદાર-ક્ષત્રિયનો વર્ગવિગ્રહ ફરીથી જાગે તેવી ભીતિ
ચાર દાયકા પહેલાં પટેલ અને ક્ષત્રિય સમુદાય વચ્ચે લોહીયાળ વૈમનસ્ય માટે કુખ્યાત ભાવનગર જિલ્લામાં ફરીથી સામાજિક સૌહાર્દ બગડે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે. ગુજસિટોકના આરોપી પથુભા મેરુભા ગોહિલનું જેલમાં જ અવસાન થવાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરીને પરિવારજનોએ સઘન તપાસની માંગણી કરી છે. આ કેસમાં જિલ્લાના બે દિગ્ગજ નેતાઓની સક્રિયતાએ ભાગ ભજવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
શું છે કેસની વિગતો?
બે વર્ષ પહેલાં બોટાદ, ઘોઘા, વરતેજ અને ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અલગ અલગ ફરિયાદો મુજબ, 6 વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો હતો. ફરિયાદ મુજબ મોડસ ઓપરેન્ડી એવી હતી કે, આ ટોળકી અલગ અલગ જમીન કે મિલકતોના ખોટા સાટાખત તેમજ પાવર ઓફ એટર્ની બનાવી તેનાં આધારે જમીનના ટાઈટલ ક્લિયરન્સ આડે વાંધા અરજી કરતી હતી અને બાદમાં વાંધા અરજી કાઢવા માટે મોટી રકમનો તોડ કરતી હતી અને જમીનમાલિક જો નબળો પડે તો બનાવટી દસ્તાવેજોના જોરે જમીન પચાવી પાડતા પણ ખચકાતી ન હતી.
મોટા ગજાના રાજકારણીની એન્ટ્રી
આ ટોળકીના કરતૂતો સતત ફેલાતાં ગયા અને અનેક લોકો તેનો ભોગ બન્યા પરંતુ સંડોવાયેલા લોકોની માથાભારેની છાપ તેમજ મોટી રાજકીય ઓથને લીધે તેમની સામે ફરિયાદ થતી ન હતી અને કેટલાંક કિસ્સામાં પોલીસ ફરિયાદ લેવાનું ટાળતી હોવાના આક્ષેપો પણ થયા હતા. બાદમાં વધુ એક મોટા રાજકારણીના નિકટના લોકો ટોળકીનો ભોગ બન્યા ત્યારે તેમણે હસ્તક્ષેપ કરીને પોલીસને ફરિયાદ સ્વિકારવાની અને એક્શન લેવાની ફરજ પાડી હતી.
તમામ આરોપી કુખ્યાત
ફરિયાદમાં કૂલ 6 આરોપીઓના નામ હતા જેમાં મહાવીરસિંહ કનુભા ગોહિલ ઉર્ફે ગલકુ, રવિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ, સતુભા કલ્યાણસિંહ સરવૈયા ઉર્ફે સતુભા જીઈબી, ચંદ્રકાન્ત સોલંકી, પદુભા અજુભા ગોહિલ ઉર્ફે પદુભા થોરડી અને પથુભા મેરુભા ગોહિલ ઉર્ફે પદુભા પીપરાળી સામે ગુજસિટોક (ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ગુનો નોંધાયો હતો અને દરેકને અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.
બે આરોપીનું મોત, એક ગંભીર બિમાર
જેલમાં ગયેલા આરોપીઓ પૈકી અગાઉ સતુભા સરવૈયા ઉર્ફે જીઈબીનું માંદગીને લીધે જેલમાં મૃત્યુ થયું હતું. પદુભા અજુભા ગોહિલ ઉર્ફે પદુભા થોરડીને મગજના તાવની ગંભીર બિમારીને લીધે લગભગ દોઢ મહિના સુધી સારવાર માટે બહાર લાવવા પડ્યા હતા, જે સાજાં થયા પછી હાલ ફરીથી જેલમાં છે. ત્યાં પથુભા ગોહિલ પીપરાળીનું હાર્ટએટેકને લીધે જેલમાં જ મૃત્યુ થયું હોવાથી ક્ષત્રિય સમાજમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. ગોહિલવાડ રાજપૂત સમાજ સાથે સંકળાયેલી સંસ્થાઓ તેમજ કરણી સેનાએ કલેક્ટરને આવેદન આપીને સઘન તપાસની માંગણી કરી છે.
ધૂંધવાયેલી આગ ફરી ભડકશે?
ભાવનગર જિલ્લો કાયમ માટે સામાજિક બાબતે સંવેદનશીલ મનાતો રહ્યો છે. એંશીના દાયકાના કુખ્યાત માનગઢ હત્યાકાંડ પછી જિલ્લામાં વર્ગવિગ્રહની સ્થિતિ વણસી હતી જે છેલ્લાં ત્રણ દાયકાથી ક્રમશઃ શાંત થઈ છે. પરંતુ લેન્ડ ગ્રેબિંગ કેસ ધૂંધવાયેલી આગને ફૂંક મારીને ફરીથી ભડકાવે એવી ભીતિ સેવાઈ રહી છે. આ કેસમાં ભાવનગર જિલ્લાના બે મોટા ગજાનાં નેતાઓની સક્રિયતાને લીધે ક્ષત્રિયોને નિશાન બનાવાયા હોવાનો આરોપ મૂકાઈ રહ્યો છે.