કાલના સાથીઓનો આજે મોરે-મોરો, PAASના નેતાઓ વચ્ચે વાણીસંગ્રામ કેમ જામ્યો?
બાંભણિયાનો હેતુ હાર્દિકનું પત્તુ કાપીને આનંદીબહેનની ગુડબુકમાં આવવાનો હોઈ શકે હાર્દિકને મંત્રીપદ દેખાય છે તો વરુણને વિરમગામની ઉમેદવારી જોઈએ છે
અગિયાર વર્ષ પહેલાં ગુજરાતભરમાં ગાજેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ PAASના નેતાઓ વચ્ચે નવેસરથી વાણીયુદ્ધ શરૂ થઈ ગયું છે. ગત ચૂંટણીમાં સૌથી મોટો રાજકીય લાભ મેળવી ગયેલા હાર્દિક પટેલ સામે રહી ગયેલાં નેતાઓએ મોરચો માંડ્યો છે તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ હાર્દિકની સાથે રહીને આવનારી ચૂંટણીમાં ફાયદો મેળવવાનું ગણિત તૈયાર કર્યું જણાય છે. કોણે શું કહ્યું અને તેનો શું હેતુ હોઈ શકે તેનું વિશ્લેષણ રસપ્રદ રહેશે.
દિનેશ બાંભણિયાનું માફી પોલિટિક્સ
વિધાનઃ
જસદણ ખાતેના કાર્યક્રમમાં બાંભણિયાએ આનંદીબહેન પટેલને ઉમદા મુખ્યમંત્રી ગણાવ્યા અને આંદોલનના કારણે તેમણે હટવું પડ્યું એ બદલ માફી માંગી.
હેતુઃ
આંદોલન પછી રાજકીય લાભ ખાટવામાં બાંભણિયા સૌથી પાછળ રહી ગયા હતા. આ વખતે તેમણે જ શરૂઆત કરી છે અને આનંદીબહેનના આશીર્વાદ વડે આવનારી ચૂંટણી માટે દાવેદારીની તૈયારી કરી હોય તેમ બની શકે.
હાર્દિક પટેલઃ મંત્રીપદના શમણે
વિધાનઃ
મને કોઈ અફસોસ નથી એવું કહ્યા પછી હાર્દિકે 'મારા મૌનને નબળાઈ ન સમજશો' એવી ભેદી પોસ્ટ પણ કરી હતી.
હેતુઃ
આંદોલન વખતે પ્રતિષ્ઠા ખરડવાના ભાજપના તમામ પ્રયાસો છતાં ભાજપમાં જોડાઈને વિરમગામના ધારાસભ્ય બની ગયેલાં હાર્દિક પટેલ હવે મંત્રીમંડળના સંભવિત ફેરબદલ દરમિયાન મંત્રી બનવા ઈચ્છુક છે. જૂના સાથીઓ તેમાં અડચણ ઊભી કરે તો તેનો જવાબ આપવા પણ તૈયાર જણાય છે.
વરુણ પટેલઃ બોલે એનાં બોર વેચાય
વિધાનઃ
'ચુહે તિલમિલા ગયે' એવી આક્રમક ભાષામાં પોસ્ટ કરી અને આડકતરી રીતે હાર્દિકને સીધો પડકાર આપી દીધો.
હેતુઃ
આનંદીબહેનના રાજીનામા માટે હાર્દિકને બદનામ કરવો અને ચૂંટણી વખતે વિરમગામની બેઠક પરથી પોતાની દાવેદારી મજબૂત કરવી એવો વરુણનો વ્યુહ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અલ્પેશ કથિરિયાઃ હાર્દિકના રસ્તે સત્તાની મંઝિલ
વિધાનઃ
હાર્દિકની ભેદી પોસ્ટ પછી અલ્પેશ અને ધાર્મિકે પણ હાર્દિક સાથેની તસવીર અને લગભગ એવી જ પોસ્ટ શેઅર કરીને સમર્થન વ્યક્ત કર્યું હતું.
હેતુઃ
ગત ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હારી ચૂકેલા કથિરિયા, માલવિયા આ વખતે હાર્દિકના જોરે ભાજપના ઉમેદવાર તરીકે ઉતરવા ઈચ્છુક હોય તો નવાઈ નહિ.