ભાજપમાં વ્યાપક ચર્ચા, મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો કોણ કપાશે?
- પરશોતમ સોલંકી, કાંતિ અમૃતિયા, રમેશ કટારા કપાઈ શકે
- પરફોર્મન્સ, વિવાદ અને સોશિયલ મીડિયા પર સક્રિયતાના મામલે થયેલું વિશ્લેષણ
વડાપ્રધાન મોદીની સળંગ બે મુલાકાત અને રાજભવનમાં મોડી રાત સુધી લેવાયેલ ક્લાસ પછી સરકાર અને સંગઠનમાં ફેરબદલની શક્યતા ચર્ચાસ્પદ બની છે. એન્ટી ઈન્કમબન્સી ટાળવા ચૂંટણી પૂર્વે સરકારની મુદતના છેલ્લાં વર્ષમાં ફેરફાર કરવો, નવા ઉર્જાવાન ચહેરાઓને તક આપવી અને સરકારની છબી બદલવી એ ભાજપની કાયમી સ્ટ્રેટેજી રહી છે. મંત્રીઓના પરફોર્મન્સ, તેમણે સર્જેલા વિવાદો ત્યારે જો બદલાવ થાય તો કોણ કપાઈ શકે અને કોણ ઉમેરાઈ શકે તેની ભાજપના જ આંતરિક વર્તુળોમાં ચર્ચા વ્યાપક બની છે.
આ મંત્રીઓને રજા મળી શકે
- પરશોતમ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી, મત્સ્યોદ્યોગ
લાંબા સમયથી મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા સોલંકી નાદુરસ્ત તબિયત અને નિષ્ક્રિયતા છતાં કોળી સમાજના દિગ્ગજ નેતા હોવાના કારણે મંત્રીમંડળમાં સ્થાન મેળવતાં રહે છે. આ વખતે તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવાય અને તેમનાં સ્થાને તેમનાં પુત્ર દિવ્યેશને ટીકિટની ખાતરી આપવામાં આવે એ શક્યતા બળકટ છે.
જોખમના ચાન્સઃ 7/10
- રમેશ કટારા, રાજ્યકક્ષાના મંત્રી, કૃષિ અને સહકાર
મંત્રી તરીકે નબળું પરફોર્મન્સ ધરાવતા રમેશ કટારા સોશિયલ મીડિયા પર પણ ખાસ પ્રભાવશાળી નથી, જેને ભાજપ હાઈકમાન્ડ બહુ મહત્વ આપે છે. શિક્ષકોના પગાર અને કાર્યશૈલી અંગે ગોધરાના કાર્યક્રમમાં તેમણે કરેલી ટિપ્પણી પછી સરકારે સ્પષ્ટતાઓ કરવી પડી હતી.
જોખમના ચાન્સઃ 8/10
- નરેશ પટેલ, કેબિનેટ મંત્રી, આદિજાતી વિકાસ અને ગ્રામોદ્યોગ
ભાજપ હાઈકમાન્ડ હાલ આદિવાસી વોટબેન્ક પ્રત્યે ગંભીર હોવાથી નરેશ પટેલની બિનકાર્યક્ષમતા ધ્યાને ચડી છે. સરકારી યોજનાઓને આદિવાસી સમુદાય સુધી પહોંચાડવાની નિષ્ફળતા નરેશ પટેલને નડી શકે છે.
જોખમના ચાન્સઃ 6/10
- કાંતિ અમૃતિયા, રાજ્યકક્ષાના મંત્રી, શ્રમ અને રોજગાર
ફાયર બ્રાન્ડ છબી ધરાવતા અમૃતિયા મંત્રી તરીકે પોતાના વિભાગના પરફોર્મન્સ કરતાં બિમારી અને ખાસ તો જાહેર વિવાદોના કારણે વધુ ચર્ચામાં રહે છે. મત વિસ્તાર પરની તેમની પકડને જો નજરઅંદાજ કરવામાં આવે તો તેમનું પત્તુ કપાઈ શકે છે.
જોખમના ચાન્સઃ 6/10
- કુંવરજી બાવળિયા, કેબિનેટ મંત્રી, શ્રમ અને રોજગાર
દિગ્ગજ કોળી નેતા છે અને કાર્યક્ષમતા સામે પણ પ્રશ્ન થઈ શકે તેમ નથી પરંતુ નવા ચહેરાને તક આપવાનું હાઈકમાન્ડ મન બનાવે તો બાવળિયાનું પત્તુ કપાઈ શકે છે. અલબત્ત, પરશોતમ સોલંકી અને બાવળિયા બંનેને કાપવામાં આવે તો કોળી વોટબેન્ક સાધી શકે તેવા હિરાલાલ સોલંકી ઉપરાંત વધુ એક ચહેરાની ભાજપને જરૂર પડે.
જોખમના ચાન્સઃ 5/10
- ઈશ્વરસિંહ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી, પાણી પૂરવઠો
દિગ્ગજ નેતા છે અને યુવા ચહેરાઓને તક આપવાની નીતિ ધ્યાનમાં રખાય તો ઈશ્વર પટેલનું પત્તુ કપાઈ શકે છે.
જોખમના ચાન્સઃ 5/10
- ત્રિકમ છાંગા, રાજ્ય કક્ષાના મંત્રી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ
પોતાના મંત્રાયલયને કાર્યક્ષમ બનાવવામાં છાંગાની નિષ્ફળતા અને ખાસ તો સોશિયલ મીડિયા પર યુવાઓ સાથે સંવાદનો અભાવ તેમને નડી શકે છે.
જોખમના ચાન્સઃ 5/10