મંત્રીમંડળમાં પરિવર્તનની ચર્ચા, આ નવા ચહેરાઓ મોટી તકની પ્રતિક્ષામાં
- હિરાલાલ સોલંકી અને ઉદય કાનગડનું નામ મોખરે
- જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલન માટે સંગઠનની કવાયત શરૂ
વડાપ્રધાન મોદીની સળંગ બે મુલાકાત પછી રાજ્ય સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા ચર્ચાઈ રહી છે. કેટલાંક મંત્રીઓને વય, સ્વાસ્થ્ય અને પરફોર્મન્સના માપદંડ પર બાકાત કરીને નવા ચહેરાને તક આપવામાં આવે એવી શક્યતા ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.
કોને તક મળી શકે?
હિરાલાલ સોલંકી, રાજુલા
ધારાસભ્ય તરીકે એક હારને બાદ કરતાં સળંગ જીતનો રેકોર્ડ ધરાવતા હિરાલાલ તમામ યોગ્યતા છતાં એક વખત થોડાં સમય માટે સંસદિય સચિવ બન્યાં, એ સિવાય મંત્રીપદ તેમનાંથી દૂર રહ્યું છે. મોટાભાઈ પરસોતમ સોલંકીને જો હટાવવામાં આવે તો હિરાલાલને કેબિનેટ મંત્રી તરીકે તક મળે એવી ઉજળી શક્યતાઓ છે. પોતાના મત વિસ્તાર ઉપરાંત કાંઠા વિસ્તારના કોળી સમુદાયમાં લોકપ્રિયતા ધરાવતા હિરાલાલ જનસંપર્ક અને સક્રિયતાના મામલે મંત્રીપદ વગર પણ ઉણા ઉતરતાં નથી. સૌથી મોટો અવરોધઃ પરસોતમ સોલંકી પોતે.
ઉદય કાનગડ, રાજકોટ
શિક્ષિત, યુવા, શહેરી અને અભ્યાસુ નેતા તરીકેની છાપ ધરાવતા ઉદય કાનગડ વહીવટી ક્ષમતામાં પણ માહેર છે. મંત્રીમંડળમાં તેમના સમાવેશથી યુવા, ઉર્જાવાન ચહેરા ઉપરાંત આહિર સમુદાયનું સમીકરણ પણ સંતુલિત થઈ શકે છે. સંગઠન માટે વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂકેલા ઉદય કાનગડ આહિર સમુદાયના પોસ્ટર બોય તરીકે ભાજપ માટે આવતી ચૂંટણીમાં ઉપયોગી નીવડી શકે છે.
સૌથી મોટો અવરોધઃ રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ
જયેશ રાદડિયા, જેતપુર
ભાજપની આંતરિક ખેંચતાણ અને સહકારી રાજકારણને લીધે મંત્રીપદ ગુમાવ્યા પછી જયેશ રાદડિયા હજુ પણ મંત્રીપદે બિરાજે એ શક્યતા ઉજળી છે. વહીવટ પરની પકડ, અનુભવ અને ખાસ તો ખેડૂતો તેમજ પાટીદારો પર પ્રભાવ તેમનો પ્લસ પોઈન્ટ છે. સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયાના વધતા પ્રભાવને ખાળવા માટે પણ રાદડિયાનો વિકલ્પ ભાજપને મળતો નથી. મહામંત્રીપદે પ્રશાંત કોરાટની વરણી થઈ છે પરંતુ રાદડિયાનો વિકલ્પ બનવામાં તેમને હજુ વાર છે.
સૌથી મોટો અવરોધઃ ભાજપ હાઈકમાન્ડ સાથેનો સંઘર્ષ
અમિત ઠાકર, વેજલપુર
સંગઠનનો બહોળો અનુભવ ધરાવતા અમિત ઠાકરની આ પહેલી ટર્મ છે પરંતુ વહીવટી દક્ષતા અને પરિણામલક્ષી કામગીરીની હથોટી જોતાં વર્તમાન સરકારના કાર્યકાળના છેલ્લાં વર્ષ માટે અમિત ઠાકરનો મંત્રીમંડળમાં સમાવેશ થાય એવી પૂરી શક્યતા છે. બ્રાહ્મણ પ્રતિનિધિત્વ, સંગઠનની લોકપ્રિયતા અને કાબેલિયત એ સઘળા તેમનાં પ્લસ પોઈન્ટ છે. શહેરી મધ્યમવર્ગ પર તેમનો પ્રભાવ ઉપયોગી બની શકે છે.
સૌથી મોટો અવરોધઃ તેમની લાયકાત એ જ તેમનો અવરોધ બની શકે છે
પંકજ દેસાઈ, નડિયાદ
સંગઠન ક્ષેત્રે લાંબો અનુભવ ધરાવતા પંકજ દેસાઈ વિધાનસભાની કાર્યવાહીમાં પણ માહેર ગણાય છે. હાલ સરકાર પોતાની છબી ઉજાળવા પ્રયત્નશીલ છે ત્યારે જૂનાં, અનુભવી છતાં તાજાં ચહેરા તરીકે પંકજ દેસાઈનો સમાવેશ નિશ્ચિત મનાવો જોઈએ. તેમનાં સમાવેશથી મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ વધે અને ચરોતરના મધ્યમવર્ગિય મતદારોમાં પોતીકી લાગણી ઊભી થાય એ બંને પરિબળો પંકજ દેસાઈના સમર્થનમાં છે.
સૌથી મોટો અવરોધઃ મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતનો મર્યાદિત ક્વોટા
હાર્દિક પટેલ, વિરમગામ
પાટીદાર અનામત આંદોલનથી લાઈમલાઈટમાં આવીને એક તબક્કે વિલન ગણાયેલા હાર્દિકે પોતાના મતવિસ્તાર પૂરતી બરાબર હથોટી દર્શાવી દીધી છે. યુવા ચહેરા તરીકે તેમને તક આપીને સૌરાષ્ટ્રના યુવા પાટીદારોમાં ગોપાલ ઈટાલિયાનો પ્રભાવ ખાળવાનો વ્યુહ ભાજપ માટે ઉપયોગી થઈ શકે.
સૌથી મોટો અવરોધઃ પાટલીબદલુની છબી, સંગઠનમાં સ્વીકાર્ય નથી
અલ્પેશ ઠાકોર, ગાંધીનગર
મંત્રી બનીને લીલી પેનથી સહી કરવાની મહત્વાકાંક્ષા ધરાવતા અલ્પેશ ઠાકોર તેમનાં મત વિસ્તાર અને સમુદાયમાં લોકપ્રિય છે પરંતુ ઠાકોર ક્વોટામાં અન્ય નામોની પસંદગી થવાથી તેમને તક મળતી નથી. ચૂંટણી પહેલાંનાં અંતિમ વર્ષ માટે ભાજપ તેમને મંત્રી બનાવીને યુવા ઠાકોર સમાજના ત્રણ જિલ્લાના મતદારો પર પ્રભાવ વધારી શકે છે.
સૌથી મોટો અવરોધઃ અતિ મહત્વાકાંક્ષી સ્વભાવ