હાટકેશ્વર મહાદેવને બનાવો ‘ગુજરાતનું કાશી’: શંકરાચાર્ય
કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની તર્જ પર વડનગરના હાટકેશ્વર ક્ષેત્રના વિકાસની શંકરાચાર્યની હાકલ
ગાંધીનગર......
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને ‘ગુજરાતની કાશી’ અથવા ‘ગુજરાતના વારાણસી’ તરીકે વિકસાવવાની દિશામાં કામગીરી થવી જોઈએ તેવો સ્પષ્ટ મત શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીએ વ્યક્ત કર્યો છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, તેવી જ રીતે હાટકેશ્વર મહાદેવ ક્ષેત્રનો વિકાસ કરવા હાકલ કરી છે.
કાશીની તર્જ પર હાટકેશ્વરનો વિકાસ
શંકરાચાર્ય સ્વામીજીએ કહ્યું કે હાટકેશ્વર મહાદેવ મંદિરને ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવવા માટે મંદિર વિસ્તારનું વિસ્તરણ, જીર્ણોદ્ધાર અને જરૂરી સુવિધાઓના વિકાસની કામગીરી થવી જોઈએ. તેમના મતે માત્ર ભૌતિક વિકાસ જ નહીં, પરંતુ આ ક્ષેત્રની ધાર્મિક ઊર્જા વધારવા માટે પણ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની જરૂર છે.
મુખ્યમંત્રી સાથે પણ વિકાસ અંગે કર્યો સંવાદ
વડનગર વિશ્વ શાંતિ યજ્ઞ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર પધાર્યા હતા ત્યારે હાટકેશ્વર ક્ષેત્રને વિશેષ યોજના દ્વારા સુસમૃદ્ધ બનાવવા અંગે તેમની સાથે સંવાદ થયો હોવાનું શંકરાચાર્ય સ્વામીજીએ જણાવ્યું. જનતા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ભક્તજનોના સહયોગથી હાટકેશ્વર ક્ષેત્રનો ધાર્મિક અને ઐતિહાસિક વિકાસ સાધવાની ભાવના તેમણે વ્યક્ત કરી.
ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિકાસ કાર્યો કરવા આગળ આવે
હાટકેશ્વર મહાદેવ ક્ષેત્રને ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવવા ધાર્મિક સંસ્થાઓએ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ શરૂ કરવી જોઈએ તેવો અનુરોધ પણ શંકરાચાર્ય સ્વામીજીએ કર્યો. મંદિરના વિકાસ સાથે આ સમગ્ર ક્ષેત્રમાં ધાર્મિક વાતાવરણ અને પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા હાકલ કરી છે.