182 બેઠકો પર ભાજપનું એકસાથે શક્તિપ્રદર્શન, નૂતનવર્ષ સ્નેહમિલનથી ચૂંટણીની તૈયારીને ધાર
22 નવેમ્બરે સાંજે 4 વાગ્યે રાજ્યભરમાં કાર્યક્રમો, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ટોચના નેતાઓ વર્ચ્યુઅલી જોડાશે
ગાંધીનગર.....
ગુજરાત ભાજપ દ્વારા આવતીકાલે 22 નવેમ્બરે સાંજે 4 વાગ્યે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે નૂતનવર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ માટે આ માત્ર શુભેચ્છા કાર્યક્રમ નહીં પરંતુ રાજ્યભરમાં સંગઠનની તાકાત અને કાર્યકરો સાથે સીધો સંપર્ક જાળવવાનો રાજકીય કાર્યક્રમ પણ બની રહેશે.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યભરના કાર્યકરો અને આગેવાનોને સંબોધશે.
182 બેઠકો પર એકસાથે કાર્યક્રમ
દરેક વિધાનસભા મતવિસ્તારમાં સ્થાનિક ભાજપના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓની હાજરીમાં સ્નેહમિલન યોજાશે. આમ એક જ સમયે સમગ્ર ગુજરાતમાં પક્ષના સંગઠનને એકસૂત્રે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
2027 પહેલાં કાર્યકરોને જોડવાનો સંદેશ
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભાજપ માટે સંગઠનાત્મક રીતે આગામી સમય મહત્વનો છે. 182 બેઠકો પર એકસાથે યોજાનાર આ કાર્યક્રમ દ્વારા કાર્યકરો સાથે સીધો સંપર્ક અને સંગઠનના માળખાને વધુ સક્રિય કરવાનો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ માનવામાં આવે છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને પણ યાદ કરવામાં આવશે. સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે કાર્યકરોને આગામી સમય માટે જોડવાનો પ્રયાસ રહેશે.