PMનો આદેશ, દાદા એક્શન મોડમાં! ચૂંટણી પહેલાં 3 દિવસ આદિવાસી પટ્ટામાં CMના ધામા
ગાંધીનગર.... આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારોમાં સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે ત્રણ દિવસના આદિવાસી પટ્ટાના પ્રવાસે જઈ સ્થાનિક સમાજ અને ભાજપના કાર્યકરો સાથે સીધો સંપર્ક કરશે.
18થી 20 નવેમ્બર CMનો ગરબાડા પ્રવાસ* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18થી 20 નવેમ્બર દરમિયાન ગરબાડા વિસ્તારની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન આદિવાસી બેઠકો પર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળશે. પ્રવાસના પ્રથમ દિવસે રાજકીય અને સંગઠનાત્મક કામગીરી, બીજા દિવસે વહીવટી અને શાસન સંબંધિત કાર્યક્રમો, જ્યારે ત્રીજા દિવસે જનસંપર્ક અને રાજકીય એકત્રીકરણ પર ભાર મૂકવામાં આવશે.
કાર્યકરોના ઘરે ભોજન, આશ્રમશાળામાં રોકાણ
મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન આદિવાસી કાર્યકરોના ઘરે ભોજન લેવાનો કાર્યક્રમ પણ રહેશે. ઉપરાંત શાળા અથવા આશ્રમશાળામાં રોકાણ કરીને સ્થાનિક લોકો સાથે વધુ સીધું જોડાણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મંત્રીઓ પણ આદિવાસી વિસ્તારોમાં પ્રવાસ કરશે. અગાઉ પણ મંત્રીઓએ આદિવાસી બેઠકોની મુલાકાત લઈ સંગઠનાત્મક કામગીરી અને જનસંપર્ક વધાર્યો હતો. ચૂંટણી પહેલાં આદિવાસી પટ્ટામાં સરકાર અને સંગઠનને વધુ મજબૂત કરવાની આ કવાયતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.