રાજદીપસિંહ રિબડાની નવી છલાંગ, ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ઉ.પ્ર.ના બાહુબલી સાથે જોવા મળ્યા
- ઉ.પ્ર.ના રાજપૂત વોટબેન્ક માટે રાજા ભૈયાએ આયોજન કર્યું હતું
ગોંડલ બેઠક માટે વર્તમાન ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ સાથે કટ્ટર હરીફાઈમાં ઉતરેલા રિબડા પરિવારના રાજદીપસિંહ હાલમાં ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ (કુંડા) ખાતે યોજાયેલ બાગપતધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં મોખરાની હરોળમાં જોવા મળતાં આશ્ચર્ય સર્જાયું છે. કથામાં ઉત્તરપ્રદેશના અનેક બાહુબલી જોવા મળ્યા હતા અને તેનું આયોજન બાહુબલી ધારાસભ્ય રાજાભૈયા ઉર્ફે રઘુરાજપ્રતાપસિંહે કર્યું હતું.
શું છે કથા ડિપ્લોમસી?
UGC એક્ટમાં સવર્ણોને અન્યાયના મુદ્દે ઉત્તરપ્રદેશમાં ભાજપની કમિટેડ ગણાતી રાજપૂત વોટબેન્ક ભારે નારાજ હોવાનું મનાય છે. વિધાન પરિષદ પછી હાલમાં રાજસ્થાનની પંચાયતની ચૂંટણીઓમાં પણ એ નારાજગી જોવા મળી હતી. આથી રાજપૂત વોટબેન્કને સાધવા માટે કુન્ડા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને રાજપૂતો પર ભારે પ્રભાવ ધરાવતા રાજા ભૈયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કર્યું હતું. એ પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે વાંધાજનક ટીપ્પણી કરી હોવાનો આરોપ મૂકીને સમાજવાદી પાર્ટીએ તેમને ઉત્તરપ્રદેશમાં પગ મૂકવા નહિ દઈએ એવી ચિમકી આપી હતી.
રાજદીપની એન્ટ્રીથી આશ્ચર્ય
રાજા ભૈયાએ આયોજિત કરેલી કથામાં રિબડાના રાજદીપસિંહ જાડેજાની એન્ટ્રીથી સૌનું ધ્યાન ખેંચાયું હતું. તેમની સાથે રાજસ્થાનના શેવ બેઠકના અપક્ષ ધારાસભ્ય અને યુવા રાજપૂતોના પોસ્ટર બોય ગણાતાં રવીન્દ્રસિંહ ભાટી પણ હતા. ઉલ્લેખનીય છે કે, રાજદીપસિંહ રિબડા પોતાને RR તરીકે ઓળખાવે છે. અહીં રવીન્દ્રસિંહ ભાટી અને રાજા ભૈયા એમ બે R સાથે તેમના સમીકરણથી નવી ચર્ચા શરૂ થઈ છે. શું રાજદીપસિંહ પોતાના હરીફ ગણેશ ગોંડલ અને જયરાજસિંહને મ્હાત આપવા ઉત્તરપ્રદેશથી ભાજપ હાઈકમાન્ડ પર જોર લગાવશે? ઉત્તરપ્રદેશ ભાજપને મદદરૂપ થઈને બદલામાં તેઓ ગોંડલની બેઠક માટેની દાવેદારી વધુ મજબૂત બનાવશે?
કથામાં બાહુબલીઓનો જમેલો
રાજા ભૈયાએ આયોજિત કરેલી કથામાં રવીન્દ્ર ભાટી અને રાજદીપ રીબડા ઉપરાંત સાંસદ બૃજભુષણશરણ સિંહ, સાંસદ ધનંજય સિંહ, કુખ્યાત ડોન તરીકેની છાપ ધરાવતા રેવંત સિંહ સહિતના બાહુબલી જોવા મળ્યા હતા.