Featured
મહેસૂલી કર્મચારીઓની માંગણીઓ અંગે સરકાર કમિટી બનાવશે
ગ્રેડ-પે સહિતની પડતર માંગણીઓના કાયમી ઉકેલ માટે બનશે ખાસ કમિટી
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં બનશે કમિટી
- ગાંધીનગરમાં મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર અને મહેસૂલી કર્મચારી મંડળના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતા તેમજ મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કર્મચારીઓની માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મહેસૂલી કર્મચારી મંડળની ગ્રેડ-પે સહિતની મુખ્ય માંગણીના ઉકેલ માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં વિશેષ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી મહેસૂલી કર્મચારી મંડળના પ્રતિનિધિઓ પાસેથી માંગણીઓ અંગે વિસ્તૃત વિગતો મેળવશે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને પ્રશ્નોના કાયમી ઉકેલ માટે કામગીરી કરશે. અને ભવિષ્યમાં આ પ્રકારની જટિલતાઓ ફરી ઊભી ન થાય તે દિશામાં પણ કમિટી દ્વારા અભ્યાસ કરવામાં આવશે. તેવું આજની બેઠકમાં નક્કી. કરવામાં આવ્યું હતું. સરકારના જણાવ્યા મુજબ, જાહેર જનતાને દૈનિક કામગીરીમાં કોઈ અડચણ ન પડે અને રાજ્યનું હિત જળવાઈ રહે તે હેતુથી સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હોવાનો દાવો પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એ કરી છે. તો બીજી તરફ બેઠકમાં થયેલા નિર્ણયો ને પણ મહેસૂલી કર્મચારી મંડળના અગ્રણીઓએ આવકાર્યો હતો આ બેઠકમાં સેટેલમેન્ટ કમિશનર આર્દ્રા અગ્રવાલ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ વિજય રાવલ, મહામંત્રી પંકજ દેસાઈ, ઉપપ્રમુખ પંકજ પરમાર, સંગઠન મંત્રી સંજય પ્રજાપત અને ખજાનચી રાજ એ. પટેલ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


