આ છે 'ટાઈગર'નો શિકારી
'ટાઈગર'ના શિકારે નીકળેલો અનિલ પંડિત કોણ છે
જાણો ટાઈગર શ્રોફ પરના હુમલાખોર અનિલ પંડિતની ક્રાઈમ કુંડળી, પાણીપતનો યુવાન અવળા રસ્તે કેમ દોરાયો?
લોકપ્રિય ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ પર રવિવારે આથમતી સાંજે ફાયરિંગ થયાનાં સમાચારથી સમગ્ર દેશ સ્તબ્ધ છે અને એંશી-નેવુના દાયકામાં અનુભવાયેલ ગુંડારાજની અનુભૂતિ કરી રહ્યો છે. હુમલા પછી થોડી જ મિનિટોમાં અનિલ પંડિતના નામે કુખ્યાત લોરેન્સ ગેંગ તરફથી હુમલાની જવાબદારી સ્વીકારતી સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ થઈ હતી.
કોણ છે અનિલ પંડિત?
હરિયાણાના પાણીપત જિલ્લાના મગરોઈ ગામમાં એક નાનકડું રામજી મંદિર છે. સુખલાલ પંડિત અને તેમનો પરિવાર ત્રણ પેઢીથી આ મંદિરના પૂજારી તરીકે સેવાપૂજા, આરતીનું કામ કરે છે. સુખલાલ પંડિતના ત્રણ દીકરા પૈકી મોટો દીકરો હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ છે. વચેટ દીકરો મંદિરની સેવાપૂજામાં પિતાને મદદ કરે છે પરંતુ સૌથી નાનો દીકરો કેટલાંક વર્ષોથી પરિવારના સંપર્કમાં નથી. એનું નામ અનિલ પંડિત, જી હા, આ એ જ અનિલ પંડિત જેણે ટાઈગર શ્રોફ પર સરેઆમ ફાયરિંગ કરીને જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. દીકરાના ઉજ્જવળ ભવિષ્યની આશાએ પિતા સુખલાલે અનિલને વધુ અભ્યાસ માટે રોહતકની કોલેજમાં મૂક્યો હતો. મગરોઈ ગામના રહેવાસીઓના કહેવા મુજબ, અનિલ બહુ જ હોંશિયાર, ચબરાક અને હાજરજવાબી હતો. પરંતુ રોહતકની કોલેજમાં તે ખોટી સંગતે ચડીને ગુનાખોરીના રવાડે ચડી ગયો. એમાંથી બિશ્નોઈ ગેંગના સંપર્કમાં આવ્યો.
અનિલ પંડિત હાલ ક્યાં છે?
બે વર્ષ પહેલાં બનાવટી ઓળખપત્રોના આધારે કેનેડા પહોંચેલા અનિલ પંડિતે ડ્રગ્ઝ માફિયાઓની મદદથી અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરી હતી. અહીં તે ફ્લોરિડા સ્ટેટમાં ખોટી ઓળખથી છૂપાઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતો હોવાનું કહેવાય છે. મેક્સિકોના માફિયાઓની સાથે મળીને ડ્રગ્ઝ અને હથિયારોની હેરફેરમાં તેની સંડોવણી હોવાનું મનાય છે અને અમેરિકન પ્રશાસન પણ તેની વિરુદ્ધ ફાઈલ તૈયાર કરી રહ્યું છે.