ટાઈગર શ્રોફના ગુજરાતી દાદાની લવસ્ટોરીઃ કઝાખસ્તાનની યુવતી સાથે પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો હતો
ફિલ્મસ્ટાર ટાઈગર શ્રોફ પર ફાયરિંગ થયાની ઘટના પછી તેને મામૂલી ઈજા થઈ હોવાના અહેવાલોથી પ્રશંસકો ચિંતિત છે. ટાઈગર શ્રોફને ગુજરાત સાથે સીધો નાતો છે. કારણ કે તેનાં દાદા, એટલે કે જેકી શ્રોફના પિતા કાકુભાઈ ગુજરાતી હતા. એક વીડિયો ઈન્ટરવ્યૂમાં જેકી શ્રોફે કહ્યા પ્રમાણે ગોંડલ તાલુકાના વતની કાકુભાઈ શેરબજાર અને પૈસાની ધીરધાર (શરાફી)ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે શ્રોફ તરીકે ઓળખાતા હતા. જેકી શ્રોફની માતા કઝાખસ્તાનની છે અને કાકુભાઈ સાથે તેની મુલાકાત ફિલ્મ સ્ટોરી જેવી જ રસપ્રદ છે.
કાકુભાઈની શ્રીમંતથી મુફલિસ સુધીની સફર
ધનાઢ્ય પરિવારમાં જન્મેલા કાકુભાઈ શેરબજાર તેમજ રૂના સટ્ટાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ઉપરાંત ઓછા વ્યાજે ધીરાણ કરતાં હોવાથી નાના વેપારીઓ અને શ્રમિકો ઘરેણાં ગિરવે મૂકીને તેમની પાસેથી રોકડ મેળવતા હતા. શેરબજારમાં ભારે નુકશાની થવાથી કાકુભાઈની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ અને તેમણે પરિવારનો બંગલો વેચીને તીન બત્તીની ચાલીમાં રહેવાનો વારો આવ્યો. એ વખતે તેમની મુલાકાત કઝાખસ્તાનની એક યુવતી સાથે થઈ. સારા દિવસોમાં કાકુભાઈએ યુવતીના પરિવારને આર્થિક મદદ કરી હતી. એ યાદ રાખીને યુવતી તેમનો આભાર માનવા આવી ત્યારે તેને જોઈને જ કાકુભાઈ દંગ થઈ ગયા.
ટાઈગરની દાદી કઝાખસ્તાનથી આવેલાં હતાં
એ યુવતીનું નામ રેટા જેમ્રોવસ્કી. તે રશિયા નજીકના કઝાખસ્તાનની હતી. પોતાના વતનમાં અરાજકતા ફેલાવાના કારણે રોજગારની તલાશમાં તેનો પરિવાર ભટકતો ભટકતો મુંબઈ પહોંચ્યો હતો અને તીન બત્તીની ચાલમાં ભાડાની ઓરડીમાં રહેતો હતો. કાકુભાઈ પહેલી મુલાકાતમાં જ રેટાના પ્રેમમાં પડી ગયા હતા અને થોડાં સમયમાં લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો, જેનો રેટાએ સ્વીકાર કર્યો. લગ્ન પછી રેટાને ભારતીય નામ રીટા આપવામાં આવ્યું. કાકુભાઈ અને રિટાને બે દીકરાઓ હતા. હેમંત અને જયકિશન. હેમંત જયકિશન કરતાં ૮ વર્ષ મોટો હતો.
મારી આંખ સામે ભાઈ ડૂબી રહ્યો હતો
કાકુભાઈ જ્યોતિષવિદ્યાના જાણકાર હતા. તેમણે પોતાના મોટા દીકરા હેમંત માટે કહ્યું હતું કે આવનારાં દિવસો તારા માટે બહુ જ ભારે છે પરંતુ હેમંત તેને ગણકારતો ન હતો. એક દિવસ સાંજે હેમંત અને જયકિશન બંને ભાઈઓ જુહુના દરિયાકાંઠે ટહેલી રહ્યા હતા ત્યારે એક બાળક દરિયામાં તણાઈ રહ્યો હતો. એ જોઈને સાહસિક હેમંતે પણ દરિયામાં ઝંપલાવી દીધું અને એ બાળકને તો બચાવી લીધો પરંતુ હેમંત પોતે ડૂબી ગયો. જેકી શ્રોફે એક ઈન્ટરવ્યૂમાં સજળ આંખે કહ્યું હતું કે, 'મારી આંખ સામે ભાઈ ડૂબી રહ્યો હતો અને હું કશું કરી શક્યો નહિ'