સલમાન પર ખફા બિશ્નોઈ સમાજની રોચક કથા, એક વૃક્ષ ખાતર 363 બિશ્નોઈ કપાઈ ગયા હતા
પ્રકૃતિપ્રેમી બિશ્નોઈ સમુદાય
ફિલ્મસ્ટાર ટાઈગર શ્રોફ પર થયેલાં હુમલાના પગલે ફરી એક વાર સલમાન ખાન પ્રત્યેની બિશ્નોઈ સમુદાયની નારાજગી તાજી થઈ છે. વર્ષ 1998માં કાળિયાર હરણનો કથિત શિકાર કરવાના મુદ્દે બિશ્નોઈ સમુદાય સલમાન પાસેથી માફીની અપેક્ષા રાખી રહ્યો છે અને સલમાન માફી માંગી રહ્યો નથી. હરણના શિકારનો કેસ હાલ સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે ત્યારે બિશ્નોઈ સમાજ અને તેમનાં પ્રકૃતિપ્રેમની પરંપરા વિશે જાણવું બહુ રસપ્રદ બની રહે તેમ છે.
28 વર્ષ જૂની ઘટના બિશ્નોઈ કેમ ભૂલતાં નથી?
સલમાને 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શુટિંગ દરમિયાન 16 સપ્ટેમ્બર અને પછી 28 સપ્ટેમ્બર એમ બે વખત કાળિયારનો શિકાર કરીને મિજબાની માણી હોવાનો આરોપ મૂકાયો એ વખતે જ ઉગ્ર વિરોધ નોંધાવનાર બિશ્નોઈ સમાજ ચર્ચામાં આવ્યો હતો. બિશ્નોઈ સમુદાયનું સંખ્યાત્મક, આર્થિક અને સામાજિક વર્ચસ્વ એટલું નોંધપાત્ર છે કે સમાજની ધાર્મિક લાગણીને રાજસ્થાન સરકાર પણ અવગણી શકે તેમ ન હતી અને એક વખત હાઈકોર્ટમાંથી સલમાનનો નિર્દોષ છૂટકારો થયો પછી પણ રાજસ્થાન સરકારે સુપ્રીમમાં જઈને પણ સલમાન ફરતો કાનૂની ગાળિયો કસેલો રાખ્યો છે.
ગુરુની 29 આજ્ઞા પ્રત્યેક બિશ્નોઈ માટે સર્વોપરી
હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કેટલાંક હિસ્સામાં વસતો બિશ્નોઈ સમાજ જમ્બેશ્વર અથવા જમ્બોજી મહારાજને આરાધ્ય ગણે છે, જે સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. બિશ્નોઈ એ એક પ્રકારે વૈષ્ણવનું જ અપભ્રંશ છે. મૂળભૂત રીતે થર અને પારકરના રણવિસ્તારમાં વસતો આ સમુદાય જાટ અને રાજપૂતની સમકક્ષ મનાય છે અથવા તો જાટ અને રાજપૂતો પૈકી જેમણે ગુરુ જમ્બેશ્વરની આજ્ઞાનું પાલન કર્યું એ બિશ્નોઈ કહેવાયા. સમગ્ર સમુદાય પ્રકૃતિ અને નિસર્ગના તત્વો, વન્યજીવો પ્રત્યે વિશેષ સંવેદનશીલ મનાય છે. ગુરુ જમ્બેશ્વરની કુલ 29 આજ્ઞાઓ છે અને એ દરેક આજ્ઞા પ્રકૃતિ તેમજ વન્યસંપદના રક્ષણ સંબંધિત છે. દરેક શ્રદ્ધાળુ બિશ્નોઈ શુદ્ધ શાકાહારી અને અહિંસાનો સમર્થક મનાય છે.

જ્યારે એક વૃક્ષ ખાતર 363 બિશ્નોઈ કપાઈ ગયા હતા
અઢારમી સદીમાં જોધપુરના રાજાને આલિશાન મહેલ બનાવવા માટે ઈમારતી લાકડાની જરૂર પડી. જોધપુર નજીકના ખેજડલી ગામે સૈનિકો વૃક્ષ કાપવા પહોંચ્યા ત્યારે બિશ્નોઈ સમુદાયના ખેડૂતની પત્ની અમૃતાદેવી ખિજડાના વૃક્ષને ચીપકી ગઈ અને સૈનિકોને કહ્યું, ‘સિર સાટે રુખ રહે, તો ભી સસ્તો જાણ’ અર્થાત્ મારું માથું ભલે વઢાઈ જાય, પણ વૃક્ષ સલામત રહેવું જોઈએ. અમૃતાદેવી પછી તેમની ત્રણ પુત્રીઓએ બલિદાન આપી દીધું. એ પછી આસપાસના ગામના કુલ 363 બિશ્નોઈ એક વૃક્ષને ખાતર મોતને વ્હાલું કરી બેઠાં ત્યારે રાજાને ભાન થયું. આ ઘટના બિલકુલ કિંવદંતી નથી અને તેનાં ઐતિહાસિક પ્રમાણો પણ છે જ, જે પ્રકૃતિ માટે બિશ્નોઈ સમાજની સંવેદનશીલતા દર્શાવે છે. એ સ્થાન પર આજે ભવ્ય સ્મારક છે.