અમિતાભ બચ્ચનના બંગલાનો વિવાદઃ એ જમીન મહુવાના વાણિયાની હતી
- બચ્ચનના બંગલા 'જલસા'ની માલિકી માટે ભાઈની પત્ની રમોલાએ નોટિસ ફટકારી
- કપોળ હાઉસિંગ સોસાયટીની એ જમીન મહુવાના કપોળ વણિકની હતી
મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે જ્યાં પોતાના ચાહકોને મળે છે એ જુહુ સ્થિત 'જલસા' બંગલો વિવાદમાં સપડાયો છે. અમિતાભના નાનાભાઈ અજીતાભની પત્ની રમોલાએ આ બંગલાનું ગિફ્ટ ડીડ પોતાની જાણ બહાર થયું હોવાનું જણાવતાં બંગલો પોતાના નામે હોવાનો દાવો કર્યો છે. હાલ આ વિવાદ મુંબઈની લેન્ડ રેકોર્ડ ઓફિસમાં પહોંચ્યો છે ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે બંગલો જે સોસાયટીમાં આવેલો છે એ જમીન મૂળ મહુવાના ગુજરાતી કપોળ વણિકની હતી.
વિવાદ શું છે?
જલસા બંગલો ગિફ્ટ ડીડ મારફત 1993માં જયા બચ્ચનના નામે કરવામાં આવ્યો હતો, જેને હાલમાં રમોલા બચ્ચને પડકાર્યો છે. તેમનાં કહેવા પ્રમાણે આ બંગલો તેમનાં નામે હતો અને આવું કોઈ ગિફ્ટ ડીડ થયું હોવાનું તેમની જાણમાં નથી. મહારાષ્ટ્ર સરકારના પ્રોપર્ટી કાર્ડમાં પણ રમોલા બચ્ચનનું નામ છે. રમોલાની નોટિસ પછી હવે લેન્ડ રેકોર્ડ ઓફિસ દસ્તાવેજી પૂરાવાઓ અને નિવેદનો ચકાસશે. દરમિયાન, આ મુદ્દે અમિતાભ બચ્ચન તરફથી કશી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
તમે પણ એ બંગલો જોયો છે... ફિલ્મોમાં
મૂળ આ બંગલો દિગ્ગજ નિર્માતા એન.સી.સિપ્પીની માલિકીનો હતો અને આ બંગલામાં આનંદ, નમકહરામ, ચૂપકે ચૂપકે જેવી ફિલ્મોનું શુટિંગ પણ થયું હતું. એ દરેક ફિલ્મોમાં અમિતાભની ભૂમિકા હતી અને તેમને આ બંગલો બહુ જ પસંદ આવ્યો હતો. આથી નિર્માતા એન.સી.સિપ્પીની ફિલ્મ 'સત્તે પે સત્તા'ના મહેનતાણા તરીકે તેમણે આ બંગલો માંગી લીધો. એ વખતે બંગલાનું નામ 'મનસા' હતું. અમિતાભે હેવી રિનોવેશન કરાવીને તેનું નામ 'જલસા' કર્યું હતું. એ પછી જુહુના 'પ્રતિક્ષા' બંગલામાંથી બચ્ચન પરિવાર અહીં રહેવા આવ્યો હતો. આ ઉપરાંત 'જનક' નામનો ત્રીજો બંગલો પણ અમિતાભની માલિકીનો છે.
મૂળ માલિક શેઠ ગોરધનદાસ
દાયકાઓ પહેલાં જુહુ વિસ્તારની આ મોકાની જમીન મહુવાના શેઠ ગોરધનદાસ વચ્છરાજ પારેખની માલિકીની હતી. બાદમાં અહીં કપોળ હાઉસિંગ સોસાયટી બની અને પ્લોટિંગ કરવામાં આવ્યું. એ પછી દરિયાકાંઠા નજીકના આ વિસ્તારના વિકાસ માટેની વિવિધ યોજનાઓ અમલમાં આવતાં પોશ એરિયાના મોટા પ્લોટમાં આલિશાન બંગલાઓ બનવા લાગ્યા. એ પૈકીનો એક બંગલો ક્રમશઃ હાથબદલો પામતો અમિતાભની માલિકીનો બન્યો. આજે પણ અહીં કેટલાંક ગુજરાતી માલેતુજારો અમિતાભના પાડોશી તરીકે વસે છે.