1 ડિસેમ્બરથી ડ્રગ્સ પેડલરો પર તવાઈ, હર્ષ સંઘવીનો માસ્ટર પ્લાન તૈયાર
- SP, કમિશનર અને રેન્જ વડાઓ સાથે મહત્વની બેઠક
- ડ્રગ્સ પેડલરો સામે કડક કાર્યવાહી માટે સ્પષ્ટ સૂચના
ગાંધીનગર....
ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસનું અભિયાન હવે વધુ આક્રમક બનશે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ એજન્સીઓના વડાઓ સાથે બેઠક કર્યા બાદ આજે રાજ્યના તમામ જિલ્લા SP, પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓ સાથે ફરી મહત્વની બેઠક યોજી હતી.
આ બેઠકમાં ડ્રગ્સ પેડલરો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટેની કામગીરી અંગે ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ સામેના સમગ્ર માસ્ટર પ્લાન અંગે પણ માહિતી આપી હતી.
1 ડિસેમ્બરથી ડ્રગ્સ પેડલરો સામે ખાસ અભિયાન
આગામી 1 ડિસેમ્બરથી ડ્રગ્સ પેડલરો સામે ગુજરાતમાં વિશેષ અને વધુ કડક અભિયાન શરૂ કરવામાં આવશે. પોલીસ સ્ટેશન સ્તરે ખાસ ટીમો બનાવી પેડલરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને કામગીરીનો નિયમિત રિવ્યૂ લેવામાં આવશે.
ડ્રગ્સની સપ્લાય ચેઇન અને મુખ્ય સૂત્રધારો પણ રડાર પર
ડ્રગ્સના પેડલરો ઉપરાંત સમગ્ર સપ્લાય ચેઇન અને મુખ્ય સૂત્રધારો સામે કાર્યવાહી કરવા માટે પોલીસને એક્શન પ્લાન સાથે આગળ વધવાની સૂચના આપવામાં આવી છે. ડ્રગ્સ ગુનામાં સંડોવાયેલા શખ્સો તથા તેમના નેટવર્ક પર પણ પોલીસ બાજ નજર રાખશે.
બેદરકારી સામે પોલીસ અધિકારીઓને પણ ચેતવણી
ડ્રગ્સ વિરોધી અભિયાનમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ સામાજિક અભિયાન અને જનજાગૃતિ દ્વારા ‘ડ્રગ્સ ફ્રી ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માસ્ટર પ્લાન મુજબ 1 ડિસેમ્બરથી ડ્રગ્સ પેડલરો સામેની કાર્યવાહી વધુ કડક બનશે, જેના પગલે રાજ્યમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસનું મેગા ઓપરેશન વધુ તેજ બનવાની શક્યતા છે.