જાપાનના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ માટે હર્ષ સંઘવીનું આમંત્રણ, ઓસાકામાં 11 મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ
સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે રોકાણની તકો પર ચર્ચા | ગુજરાતને ‘સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી’નું કેન્દ્ર ગણાવ્યું
ગાંધીનગર.....
ઓસાકા, જાપાન: ગુજરાતમાં વિદેશી રોકાણ વધારવા અને જાપાન સાથેના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાપાનના ઓસાકા ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. બેઠકમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ સહિતના ક્ષેત્રોમાં રોકાણની નવી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા જાપાનના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા પર ભાર
બેઠકને સંબોધતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જાપાન ઊગતા સૂર્યનો દેશ છે, જ્યારે ગુજરાત ઊગતી તકોની ભૂમિ છે. તેમણે ગુજરાતને ‘સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી’નું પ્રતીક ગણાવી રાજ્યની ઝડપી નિર્ણય પ્રક્રિયા, પારદર્શક નીતિઓ અને ઔદ્યોગિક વિકાસની તકો પર ભાર મૂક્યો હતો.
તેમણે રજૂ કરેલા આંકડા મુજબ, દેશની પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત ભારતના જીડીપીમાં આઠ ટકાથી વધુ યોગદાન આપે છે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજ્યનો હિસ્સો 18 ટકા છે, જ્યારે ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ છે. દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતનાં બંદરોનો હિસ્સો 40 ટકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જીમાં રોકાણની તકો
ગુજરાત અને જાપાન વચ્ચેના ઔદ્યોગિક સહયોગની સંભાવનાઓનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રીએ સુઝુકી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સને બંને પક્ષો વચ્ચેના સહયોગનાં ઉદાહરણો ગણાવ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, જાપાનની અદ્યતન ટેકનોલોજી અને ગુજરાતની કુશળ માનવશક્તિનો સમન્વય વૈશ્વિક સ્તરે નવી તકો ઊભી કરી શકે છે. સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં જાપાનના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા અપીલ કરવામાં આવી હતી.
જાપાનના ઉદ્યોગપતિઓ અને મેયરોની ઉપસ્થિતિ
ઓસાકામાં યોજાયેલી બેઠકમાં જાપાનની વિવિધ અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ડાઇકી એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી, નાકાનિશિ મેટલ વર્ક્સ અને પેનાસોનિક એનર્જીના પ્રતિનિધિઓ ઉપરાંત હિગાશિઓસાકાના મેયર યોશિકાઝુ નોડા અને આશિયા સિટીના મેયર ર્યોસુકે તાકાશિમાનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ કોન્ફરન્સ ઉપરાંત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે 11 વન-ટુ-વન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં નવા રોકાણ અને ઔદ્યોગિક જોડાણોની સંભાવનાઓને આગળ વધારવાનો હતો.


આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ કોન્ફરન્સ ઉપરાંત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે 11 વન-ટુ-વન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં નવા રોકાણ અને ઔદ્યોગિક જોડાણોની સંભાવનાઓને આગળ વધારવાનો હતો.

