9 નવી મહાનગરપાલિકાઓને સરકારી જમીનનો લાભ
નાગરિક સુવિધાઓ માટે જમીન ફાળવણીના નિયમોમાં 5 વર્ષ માટે ખાસ છૂટ
ગાંધીનગર.......
ગુજરાતની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં હવે સરકારી જમીનના કારણે વિકાસકામોને વેગ મળવાની શક્યતા છે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને જરૂરી જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે.
નવી મહાનગરપાલિકાઓને મોટો ફાયદો
રાજ્યમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓમાં વહીવટી માળખું ઊભું કરવાની સાથે પાણી, ગટર, કચરા વ્યવસ્થાપન અને અન્ય પાયાની સુવિધાઓ માટે મોટા પાયે જમીનની જરૂર પડશે. સરકારના નિર્ણયથી આ જમીન મેળવવા પાછળ થતો આર્થિક ખર્ચ ઘટશે અને વિવિધ વિકાસ યોજનાઓ ઝડપથી આગળ વધી શકશે.
11 પ્રકારની સુવિધાઓ માટે જમીન
મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં જાહેર હેતુ માટેની 11 પ્રકારની સુવિધાઓ ઊભી કરવા જમીન ફાળવણીની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા-કચરા વ્યવસ્થાપન, અગ્નિશમન સેવા સહિત વહીવટી, સામાજિક અને સામુદાયિક સુવિધાઓનો સમાવેશ થશે.
જમીનનો ઉપયોગ માત્ર જાહેર હેતુ માટે
સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ જે હેતુ માટે ફાળવણી કરવામાં આવશે તે જ હેતુ માટે કરવાનો રહેશે. એટલે કે નવી મહાનગરપાલિકાઓને જમીનનો લાભ મળશે, પરંતુ તેનો ઉપયોગ અન્ય ખાનગી કે બિનજાહેર હેતુ માટે કરી શકાશે નહીં.