વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રોકાણકારોને આમંત્રણ, ઋષિકેશ પટેલે કરી ઉદ્યોગપતિઓ સાથે બેઠકો
મેલબોર્ન, સિડની, બ્રિસ્બેન અને ઓકલેન્ડની મુલાકાત દરમિયાન ઉદ્યોગ, વેપાર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગની તકોની શોધ
ગુજરાતમાં કોમનવેલ્થ અને ભવિષ્યમાં ઓલિમ્પિક આયોજન અંગે પણ ચર્ચા
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વૈશ્વિક રોકાણ આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાના હેતુથી રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સત્તાવાર પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે મેલબોર્ન, સિડની, બ્રિસ્બેન અને ઓકલેન્ડની મુલાકાત લઈ વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વ્યાપારી અગ્રણીઓ સાથે બેઠકો યોજી હતી.
પ્રવાસનો મુખ્ય હેતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ઉદ્યોગપતિઓ તથા રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ભાગ લેવા આમંત્રિત કરવાનો અને ગુજરાતમાં રોકાણની નવી સંભાવનાઓ ઊભી કરવાનો હતો. આ ઉપરાંત વેપાર, ઉદ્યોગ, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં બંને દેશો સાથે પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી ઋષિકેશ પટેલ સાથેના પ્રતિનિધિમંડળમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, શક્તિ ગ્રૂપ, હિન્દુસ્તાન મેગ, એલેક્સિસ એડવાઇઝર્સ, એસોચેમ અને KPMG સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા.
આ ઉપરાંત IAS અધિકારીઓ ધવલ પટેલ અને રૂપવંતસિંહ પણ પ્રતિનિધિમંડળમાં સામેલ થયા હતા.
પ્રવાસ દરમિયાન વિવિધ અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને વ્યાપારી ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમાજના સભ્યો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને ભારતીય ડાયસ્પોરા સાથે પણ મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો.
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓલિમ્પિક આયોજન પર વિશેષ ધ્યાન
આ પ્રવાસનું એક મહત્ત્વનું પાસું રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ રહ્યું હતું. પ્રતિનિધિમંડળે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનાં પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ સ્ટેડિયમ તથા રમતગમતનાં માળખાકીય સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યાંની મેનેજમેન્ટ ટીમો સાથે આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય રમતોત્સવોના આયોજન અને સંચાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને ગુજરાતમાં આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજન તેમજ ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સ યોજવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત માળખાના વિકાસ અંગે વિચારોનું આદાન-પ્રદાન થયું હતું.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રતિનિધિમંડળે ઓકલેન્ડ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ક્રિકેટ મેચ પણ નિહાળી હતી. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડમાં ભારતનાં હાઈ કમિશનર મુઆનપુઈ સાઈઆવી અને ઓકલેન્ડમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. મદન મોહન સેઠી ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર પ્રવાસનો હેતુ ગુજરાતને વૈશ્વિક રોકાણના અગ્રણી કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાનો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવાનો અને ઉદ્યોગ તથા રમતગમત ક્ષેત્રે નવી ભાગીદારીના માર્ગ ખોલવાનો રહ્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના માધ્યમથી રાજ્યમાં વિદેશી રોકાણ અને વૈશ્વિક સહયોગને નવી ગતિ આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.