CMની સૂચના અને 1141 બેઠકો મંજૂર છતાં અધિકારીઓની મનમાનીથી 1600 વ્યાયામ શિક્ષકોને કાયમી ઓર્ડર નહીં
‘ રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ વચ્ચે 1600 વ્યાયામ શિક્ષકો કાયમી ઓર્ડરની રાહમાં
- 2025માં 32 દિવસના આંદોલન બાદ CMની ત્રણ મહિનામાં ઉકેલની સૂચના છતાં પ્રશ્ન યથાવત્; 1141 બેઠકો મંજૂર થયા બાદ પણ ભરતીના ઓર્ડર નહીં
ગાંધીનગર.....
ગુજરાતમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની મોટી જાહેરાતો વચ્ચે શાળાઓમાં ફરજ બજાવતા અંદાજિત 1600 પરીક્ષા પાસ વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીના ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. 2025માં 32 દિવસના આંદોલન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ મહિનામાં પ્રશ્ન ઉકેલવાની સૂચના આપી હતી. 2026ના બજેટમાં 1141 બેઠકો મંજૂર થયા છતાં કાયમી ઓર્ડર ન મળતાં શિક્ષકો ફરી સત્યાગ્રહ છાવણી ખાતે મેદાને ઉતર્યા છે.
1600 શિક્ષકોનો કાયમી ઓર્ડરનો સવાલ
વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા અને ભરતી પરીક્ષા પાસ કરેલા અંદાજિત 1600 વ્યાયામ શિક્ષકો હજુ કાયમી નિમણૂકના ઓર્ડરથી વંચિત છે. શિક્ષકોનો આક્ષેપ છે કે બેઠક અને રજૂઆતો બાદ પણ વિભાગ તરફથી માત્ર ગોળ-ગોળ જવાબો મળી રહ્યા છે.
લો બોલો CMની સૂચના છતાં ઉકેલ નહીં
2025માં વ્યાયામ શિક્ષકોએ 32 દિવસનું આંદોલન કર્યું હતું. આંદોલન ઉગ્ર બને તે પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ બેઠક બોલાવી હતી અને ત્રણ મહિનામાં પ્રશ્નનો ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ છતાં લાંબા સમય બાદ પણ કાયમી ભરતીનો પ્રશ્ન યથાવત્ છે.
1141 બેઠકો મંજૂર, છતાં ઓર્ડરની રાહ
2026ના બજેટમાં વ્યાયામ શિક્ષકોની 1141 બેઠકો મંજૂર થઈ હોવા છતાં ભરતીના કાયમી ઓર્ડર આપવામાં આવ્યા નથી. શિક્ષકોનો દાવો છે કે અધિકારીઓની મનમાનીના કારણે પ્રક્રિયા આગળ વધી રહી નથી અને તેમને મુખ્યમંત્રીને મળવાની તક પણ આપવામાં આવતી નથી.
2023ની ખેલ સહાયક ભરતી પણ અટવાઈ
વ્યાયામ શિક્ષકોના જણાવ્યા મુજબ વર્ષ 2023માં પરીક્ષા લેવાયેલી ખેલ સહાયકની ભરતી પણ હજુ પૂર્ણ થઈ નથી. અગાઉ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું, પરંતુ હવે પ્રશ્નનો ઝડપી ઉકેલ ન આવે તો આંદોલન ફરી ઉગ્ર બને તેવી સ્થિતિ સર્જાઈ છે.