શરદ પવારનું ભાજપ સામે સરન્ડર! NCP પછી બાકીની પાર્ટીઓનો વારો
ભાજપનું કહેવું છે કે જનતાનો મૂડ ડિલિમિટેશન અને મહિલા અનામતના પક્ષમાં છે. ત્યારે એ પણ નક્કી માનવામાં આવે છે કે સુપ્રિયા સુલેની જેમ બાકીની પાર્ટીઓ એલાન કરે અથવા ન કરે, પણ તેઓ સીધું કે આડકતરું બિલને સમર્થન આપશે. મોનસૂન સત્રમાં આને લગતું બિલ પારીત કરાવવા માટે આક્રમક વ્યૂહરચના સાથે સરકાર આગળ વધશે તેવું નિશ્ચિત મનાય છે. એ પણ નક્કી મનાઈ રહ્યું છે કે જો આ બિલ પારીત થઈ જશે, તો આગામી ચૂંટણી 850 બેઠકોની થશે અને તેમાં 273 બેઠકો મહિલાઓ માટે અનામત હશે
નવી દિલ્હી: શરદ પવારે સ્થાપેલી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીએ કેન્દ્રની ભાજપ સરકાર સામે હથિયાર હેઠાં મૂક્યા છે. એનસીપીમાં ફાટફૂટની આશંકાને કારણે મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય ગણાતા શરદ પવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે સરન્ડર કરી દીધું છે.
શરદ પવારના પુત્રી અને બારામતીથી લોકસભાના સાંસદ સુપ્રિયા સુલેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે જો સરકાર દરેક રાજ્યમાં 50 ટકા બેઠકો વધારવાનો ભરોસો આપે છે, તો તેમની પાર્ટી આનું (નારી શક્તિ વંદન બિલ) સમર્થન કરવા માટે તૈયાર છે. જાણકારો માની રહ્યા છે કે આ પ્રેસ કોન્ફરન્સની સ્ક્રિપ્ટ ક્યાંક બીજેથી લખાઈ હતી. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં 16થી 18 વચ્ચે સંસદના વિશેષ સત્રમાં નારી શક્તિ વંદન કાયદામાં સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે તેમને એક કલાકનો સમય આપો તેઓ બિલમાં 50 ટકા બેઠકો વધારવાની વાત સામેલ કરીને તેને ફરીથી રજૂ કરી દેશે. આનો અર્થ છે કે સરકાર દરેક રાજ્યમાં સમાનપણે 50 ટકા બેઠકો વધારવા માટે સૈદ્ધાંતિક રીતે પહેલેથી જ તૈયાર છે. માટે સુપ્રિયા સુલેનું એ કહેવું કે જો સરકાર 50 ટકા બેઠકો વધારવાનો ભરોસો આપે, તો તેઓ ટેકો આપવા માટે વિચારણા કરશે, તે સંકેત આપે છે કે એનસીપીની સરકાર સાથે વાતચીત થઈ ચુકી હશે.
હવે સવાલ એ પણ છે કે શું આ તર્કના આધારે અન્ય પાર્ટીઓ પણ સરકારના આ પ્રસ્તાવને ટેકો આપશે ? સંસદના વિશેષ સત્રમાં એકજૂટ વિપક્ષે મોટા અંતરથી સરકારનું બિલ નિષ્ફળ બનાવ્યું હતું. સરકારના બિલના ટેકામાં 298 અને વિરોધમાં 230 વોટ પડયા હતા. સરકારને ત્યારે બિલ પાસ કરાવવા માટે 352 વોટની જરૂર હતી એટલે કે બિલને પારીત કરાવવા માટે 54 વોટ ખૂટયા હતા. હવે સરકાર ધીમેધીમે બિલ પારીત કરાવવાની સંખ્યાની નજીક પહોંચી રહી છે. હવે એનડીએના સમર્થક સાંસદોની સંખ્યા 320 થઈ ચુકી છે. તેમાં શરદ પવારની એનસીપીના આઠ સાંસદો પણ સામેલ થાય તો આ સંખ્યા 328 થઈ જશે.
જાણકાર સૂત્રો મુજબ, ઘણી અન્ય પાર્ટીઓના નેતાઓ સાથે ભાજપના મોટા નેતાઓ સંપર્કમાં છે. આ પાર્ટીઓના નેતાઓના વલણ પણ સામે આવી જશે. કહેવામાં આવે છે કે ઉત્તર ભારતની પાર્ટીઓને ડિલિમિટેશન અને 50 ટકા બેઠકો વધારવાના પ્રસ્તાવને ટેકો આપવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
જાણકાર સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલ મુજબ, 16 જુલાઈની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ભાજપના મોટા નેતાઓની બેઠક યોજાઈ હતી. તેમાં સંસદના મોનસૂન સત્રમાં બંધારણ સંશોધનના તમામ બિલોને પારીત કરાવવાની રણનીતિ પર ચર્ચા થઈ છે. ભાજપના જાણકાર નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસને બાદ કરતા મોટાભાગની પાર્ટીઓ ગત સત્રથી પહેલા પણ તૈયાર થઈ ગઈ હતી કે બેઠકો વધારાવીને મહિલા અનામત બિલને લાગુ કરાવવામાં આવે. પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાઓ બાકીની પાર્ટીઓ પર દબાણ બનાવ્યું અને તેમને બિલનો વિરોધ કરવા માટે તૈયાર કરી.
એમ પણ કહેવામાં આવે છે કે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ આને પોતાની સાથે રાજકીય વિશ્વાસઘાત માની રહ્યા છે. આને મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીઓને તોડવા માટેના આક્રમક રાજકીય અભિયાનનું કારણ પણ માનવામાં આવે છે. રાજકીય સંજોગો પણ ભાજપની સાથે છે. પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત સાથે ભાજપ સત્તામાં પહોંચ્યું અને ટીએમસીને રાજકીય વનવાસ મળ્યો. તો તમિલનાડુમાં પણ ડીએમકેને જનતાને સત્તામાંથી રુખસદ આપી દીધી છે. આ સિવાય મમતા બેનર્જી અને એમ. કે. સ્ટાલિન પોતપોતાની બેઠકો પણ હારી ગયા. આને લઈને ભાજપ બાકીના નેતાઓને સમજાવી રહ્યું છે કે આ બંને નેતાઓ જનતાના મૂડને સમજવામાં થાપ ખાઈ ચુક્યા છે.
ભાજપનું કહેવું છે કે જનતાનો મૂડ ડિલિમિટેશન અને મહિલા અનામતના પક્ષમાં છે. ત્યારે એ પણ નક્કી માનવામાં આવે છે કે સુપ્રિયા સુલેની જેમ બાકીની પાર્ટીઓ એલાન કરે અથવા ન કરે, પણ તેઓ સીધું કે આડકતરું બિલને સમર્થન આપશે. મોનસૂન સત્રમાં આને લગતું બિલ પારીત કરાવવા માટે આક્રમક વ્યૂહરચના સાથે સરકાર આગળ વધશે તેવું નિશ્ચિત મનાય છે. એ પણ નક્કી મનાઈ રહ્યું છે કે જો આ બિલ પારીત થઈ જશે, તો આગામી ચૂંટણી 850 બેઠકોની થશે અને તેમાં 273 બેઠકો મહિલાઓ માટે અનામત હશે.