PM મોદીના સુશાસનનાં 25 વર્ષ: સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા, ગુજરાતે વિકાસનું રોલ મોડલ પૂરું પાડ્યું : સી.એમ ભૂપેન્દ્ર પટેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 25 વર્ષની યાત્રા સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા છે. આ યાત્રા રાષ્ટ્ર પ્રથમની ભાવના, જનસેવા અને દેશના વિકાસને સમર્પિત રહી છે. તેમના વિઝનરી નેતૃત્વમાં દેશે પ્રગતિ અને આત્મવિશ્વાસ સાથે વિશ્વને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એક સમયે દેશ પોલિસી પેરાલિસિસની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ આજે દેશ પ્રગતિ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે. સમાજના દરેક વર્ગને વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવામાં આવ્યો છે. ઇનોવેશન અને કૌશલ્ય વિકાસ માટે નવી તકો ઊભી થઈ છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશે સુશાસન અને વિકાસની દિશામાં અનેક મહત્વપૂર્ણ પરિવર્તનો જોયાં છે.
ભૂકંપ અને વીજ સંકટમાંથી બહાર આવી ગુજરાતે વિકાસની નવી દિશા આપી
મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે ગુજરાત ભૂકંપ અને વીજળી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. જોકે, મુશ્કેલીઓમાંથી બહાર આવી ગુજરાતે વિકાસની નવી દિશા આપી છે. આજે ગુજરાતને દેશ અને દુનિયામાં આગવીu ઓળખ મળી છે અને રાજ્ય વૈશ્વિક સ્તરે નવી તકોના પ્રવેશદ્વાર તરીકે ઊભરી આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિકાસની વિવિધ યોજનાઓના માધ્યમથી સામાન્ય નાગરિકના જીવનમાં મોટું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા સરકારી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. સરકાર છેવાડાના માનવી સુધી પહોંચે અને તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડે તે દિશામાં કામગીરી કરવામાં આવી છે.
ખેડૂતો, મહિલાઓ અને ગરીબોના કલ્યાણ પર ભાર
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. નારીશક્તિના વિકાસ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પણ ગુજરાતે રોલ મોડલ તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે. સ્વચ્છ ભારત મિશન, કન્યા કેળવણી અને બેટી બચાવો અભિયાન જેવી પહેલો દ્વારા સામાજિક પરિવર્તનને વેગ મળ્યો છે. આ યોજનાઓ અને અભિયાનોનો હેતુ લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાની સાથે સમાજમાં જાગૃતિ અને વિકાસની નવી તકો ઊભી કરવાનો રહ્યો છે.
ધોલેરા, વડોદરા અને ખાવડામાં વિકાસનાં નવાં આયામ
ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોના વિકાસ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ધોલેરામાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ, વડોદરામાં સંરક્ષણ ક્ષેત્રને લગતી પ્રવૃત્તિઓ અને કચ્છના ખાવડામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે થઈ રહેલી કામગીરી રાજ્યના વિકાસને નવી દિશા આપી રહી છે. આ તમામ પ્રયાસો ગુજરાતને ઔદ્યોગિક વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં આગળ લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ છે.
ગુજરાત મારો આત્મા, દેશ મારો પરમાત્મા'ની ભાવના સાથે જનસેવા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'ગુજરાત મારો આત્મા અને દેશ મારો પરમાત્મા'ની ભાવના સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસેવા અને રાષ્ટ્રસેવાને પ્રાથમિકતા આપી છે. સુશાસનનાં 25 વર્ષ દેશની વિકાસયાત્રા, લોકકલ્યાણ અને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. તેમણે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતમાં થયેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કરીને સુશાસન, જનકલ્યાણ અને વિકાસની આ યાત્રાને મહત્વપૂર્ણ ગણાવી હતી.