₹25 કરોડના ડ્રગ્સ કેસમાં ફિલ્મી ઘટનાક્રમ: કફીલ અહેમદે પોલીસ વાહનમાં જ ઝપાઝપી કરી, ભાગવા જતાં ફાયરિંગ
અમદાવાદ...
અફઘાનિસ્તાનથી હેરોઈન અને રાજસ્થાનથી MD ડ્રગ્સ મેળવી દિલ્હીથી SUV કારમાં ડ્રગ્સ છુપાવી રાજકોટ પહોંચાડવાના કથિત નેટવર્કનો પર્દાફાશ થયા બાદ હવે આ કેસમાં પોલીસ વાહનની અંદર જ ફાયરિંગની ઘટના બની છે. ₹25 કરોડથી વધુના ડ્રગ્સ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી કફીલ અહેમદે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું હતું. ગોળી કફીલના પગમાં વાગતાં તે ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે ઝપાઝપી દરમિયાન PSI રાવલને પણ ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રિમાન્ડ દરમિયાન હોસ્પિટલ લઈ જતી વખતે ઘટના
કફીલ અહેમદ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાંથી રિમાન્ડ મંજૂર થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમની અલગ-અલગ દિશામાં પૂછપરછ કરી રહી હતી. રિમાન્ડ દરમિયાન નિયમિત તબીબી તપાસ માટે આરોપીઓને અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. સોમવારે સાંજે આશરે 4:30 વાગ્યે પોલીસની ટીમ આરોપીઓને હોસ્પિટલ લઈ જવા નીકળી હતી. આ દરમિયાન પોલીસ વાહનમાં જ કફીલે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, બંનેને સારવાર માટે ખસેડાયા
આરોપીને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન PSI રાવલની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જે કફીલના પગમાં વાગી હતી. ઘટનામાં PSI રાવલને પણ ઇજા થતાં બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ₹25 કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી ગણાતા કફીલના ભાગવાના પ્રયાસથી પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીઓની સુરક્ષા અને તેમને હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા પણ તપાસના કેન્દ્રમાં આવી છે.
ડ્રગ્સના નેટવર્કથી પોલીસ કસ્ટડીમાં ભાગવાના પ્રયાસ સુધી
તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો મુજબ, આરોપીઓ પર વિદેશી હેરોઈન અને રાજસ્થાનથી મેળવાયેલા MD ડ્રગ્સના જથ્થાને SUVમાં છુપાવી રાજકોટ પહોંચાડવાના કથિત કાવતરાનો આરોપ છે. રામોલ ટોલનાકા નજીક અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં કફીલ અહેમદ સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. હવે કફીલના ભાગવાના પ્રયાસ પાછળની પરિસ્થિતિ, પોલીસ વાહનમાં થયેલી ઝપાઝપી અને સમગ્ર ડ્રગ્સ નેટવર્કની કડીઓ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.