વિદેશી રાજદ્વારીઓ ની ગુજરાત મુલાકાતો માટે બન્યા નવા નિયમો, 10 કાર્યદિવસ પહેલાં MEAને આપવી પડશે જાણકારી
મુખ્યમંત્રી-મંત્રીઓ સાથેની બેઠક અને સૌજન્ય મુલાકાત માટે પણ મંજૂરીની જોગવાઈ; વિદેશી મિશનો સાથેના સત્તાવાર સંપર્કો માટે કેન્દ્રના પ્રોટોકોલનું પાલન ફરજિયાત
ગાંધીનગર...
ગુજરાતમાં વિદેશી રાજદ્વારીઓ અને રાજદ્વારી મિશનો સાથે રાજ્ય સરકારના સત્તાવાર સંપર્કો માટે નવી માર્ગદર્શિકાના અમલની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે 23 ઓક્ટોબર, 2026ના રોજ પરિપત્ર જાહેર કરીને વિદેશ મંત્રાલય (MEA)ના નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે.
નવી માર્ગદર્શિકા મુજબ, વિદેશી રાજદ્વારી પ્રતિનિધિઓની દિલ્હી બહારની મુલાકાત, રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથેની બેઠકો તેમજ નીતિ અને જાહેર હિતને લગતી બાબતોમાં સીધા સંપર્ક માટે નિર્ધારિત પ્રક્રિયા અનુસરવાની રહેશે.
મુલાકાતના 10 કાર્યદિવસ પહેલાં મોકલવી પડશે વિગતો
વિદેશી રાજદ્વારીઓની ગુજરાત સહિતનાં રાજ્યોમાં મુલાકાત માટેનો કાર્યક્રમ, મુલાકાતનો હેતુ, સમયગાળો, મુલાકાત લેવાનાં સ્થળો અને રોકાણની વિગતો પ્રસ્તાવિત મુલાકાતની તારીખથી ઓછામાં ઓછા 10 કાર્યદિવસ પહેલાં વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ-III વિભાગને મોકલવાની રહેશે.
મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથેની મુલાકાત માટે પણ પ્રોટોકોલ ફરજિયાત
વિદેશી રાજદ્વારી મિશનો સાથે નીતિ અથવા જાહેર હિતને લગતી બેઠકો યોજવા, સૌજન્ય મુલાકાત ગોઠવવા તથા રાજ્યનાં સ્થળોની મુલાકાત માટે પ્રતિનિધિઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં વિદેશ મંત્રાલયની સ્પષ્ટ મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે. આવી મુલાકાતો માટે સંબંધિત મહાનુભાવોને સીધી વિનંતી કરવાને બદલે નિર્ધારિત સરકારી માધ્યમનો ઉપયોગ કરવાનો રહેશે.
વિદેશી મિશનો સીધો નીતિવિષયક સંપર્ક નહીં કરી શકે
પરિપત્ર મુજબ, વિદેશી મિશનો વિદેશ વેપાર, વિદેશી સહાય, પ્રોજેક્ટમાં સહયોગ અને નીતિવિષયક મહત્ત્વના મુદ્દાઓ પર રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર સાથે સીધો સત્તાવાર સંપર્ક કરી શકશે નહીં. આવા વ્યવહારો વિદેશ મંત્રાલય મારફતે કરવાના રહેશે.
આમંત્રણો માટે પણ નિર્ધારિત પ્રક્રિયા
વિદેશી રાજદ્વારી મિશનો દ્વારા રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અથવા નાગરિકોને વિદેશમાં યોજાતા સંમેલનો અને કાર્યક્રમોમાં આમંત્રિત કરવાની દરખાસ્ત વિદેશ મંત્રાલયને મોકલવાની રહેશે. જ્યારે દિલ્હીની બહાર યોજાતા રાષ્ટ્રીય દિવસના સમારંભો અને કાર્યક્રમોનાં આમંત્રણો રાજ્યના પ્રોટોકોલ વિભાગને મોકલવાનાં રહેશે.
મર્યાદિત નિયમિત બાબતોમાં સીધા સંપર્કની છૂટ
માર્ગદર્શિકામાં કોન્સ્યુલ જનરલ, કોન્સ્યુલ, વેપાર પ્રતિનિધિઓ અને કોમનવેલ્થ દેશોના ડેપ્યુટી હાઈ કમિશનરોને કેટલીક નિયમિત બાબતોમાં રાજ્ય સરકાર સાથે સીધો સંપર્ક કરવાની છૂટ આપવામાં આવી છે. તેમાં ટેકનિકલ વિષયો અંગે હકીકતલક્ષી માહિતી મેળવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ નવી માર્ગદર્શિકાના અમલથી ગુજરાતમાં વિદેશી પ્રતિનિધિમંડળોની મુલાકાતો, રાજ્યના મંત્રીઓ સાથેની બેઠકો અને વિદેશી રાજદ્વારી મિશનો સાથેના સત્તાવાર વ્યવહારો માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.