ભારત અને UAE વચ્ચે અબુધાબીમાં સંરક્ષણ ક્ષેત્રે મોટી ડિલ
14મી JDCC બેઠકમાં બંને દેશ વચ્ચે ડિફેન્સ ડિલ શક્ય બની, ત્રણ મોટી જાહેરાત પણ કરવામાં આવી, કો-પ્રોડક્શન અને કો-ડેવલપમેન્ટ પર ભાર મુકાયો.
ભારત અને સંયુક્ત આરબ અમિરાતે બંને દેશોએ મળીને સંબંધોને એક
નવી દિશા આપી છે, પશ્ચિમ એશિયામાં મક્કા પેક્ટની ચર્ચા વચ્ચે ભારત અને સંયુક્ત આરબ
અમિરાતે એક મોટી ડિફેન્સ ડિલ કરી છે, જેના અંતર્ગત અત્યાધુનિક હથિયારો અને ડિફેન્સ
સિસ્ટમ બનાવવા માટે બંને દેશો સહમત થયા છે. આ ડિલ 26 નવેમ્બરના રોજ અબુ ધાબી ખાતે
યોજાયેલી ભારત અને UAE ની જોઈન્ટ
ડિફેન્સ કો-ઓપરેશન કમિટીની 14 મી બેઠક દરમિયાન શક્ય બની છે.
અબુ ધાબીમાં યોજાયેલી JDCC ની મહત્વની બેઠક દરમિયાન ભારતના સંરક્ષણ સચિવ રાજીવ કુમાર
અને સંયુકત આરબ અમિરાતના સંરક્ષણ મંત્રાલયના અંડર સેક્રેટરી લેફ્ટન્ટ જનરલ
ઈબ્રાહિમ નાસિર એમ.અલ અલાવીએ કરી હતી. ભારતીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે
આ બેઠકમાં નો વોર નો પીસ એટલે કે ના તો સંપૂર્ણ યુદ્ધ અને ન તો સંપૂર્ણ શાંતિ જેવા
જટિલ મુદ્દા પર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. જૂલાઈ 2025 દરમિયાન દિલ્હીમાં
યોજાયેલી JDCC ની બેઠક દરમિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાડી દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂક્યો
હતો. સાથે જ ખાડી દેશો એકજૂટ થાય અને ભારતની ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતા સાથે
ભાગીદારી કરીને આત્મનિર્ભર થાય તે બાબતો પર ગત બેઠકમાં ભાર મુકવામાં આવ્યો હતો. ઈન્ડિયા-UAE સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશીપ ફ્રેમવર્કને જમીની સ્તરે
ઝડપથી અમલમાં મુકવા ભાર મુકાયો હતો.
આ બેઠકમાંથી ભારત અને UAEના સંરક્ષણ
સહયોગને મજબૂત કરતા ત્રણ મુખ્ય પાસાઓ સામે આવ્યા છે. પ્રથમ, બંને દેશો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને
નેક્સ્ટ-જનરેશનના આધુનિક હથિયારો અને સંરક્ષણ ઉપકરણોનું સહ-વિકાસ અને સહ-ઉત્પાદન
કરવાની પ્રક્રિયા ઝડપી બનાવશે. બીજું, આધુનિક
યુદ્ધમાં ટેક્નોલોજી અને ડેટાનું મહત્ત્વ જોતા બંને દેશો ઇનોવેશન, એડવાન્સ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ (AI), સાયબર સુરક્ષા, સૈન્ય તાલીમ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારશે. ત્રીજું, આ યોજનાઓ માત્ર કાગળ પર ન રહી જાય તે માટે બંને સહ-અધ્યક્ષો
આગામી JDCC બેઠક પહેલા નિયમિત સમયાંતરે
ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા અને દેખરેખ રાખશે.
સરકારી સ્તરની સમજૂતીને વાસ્તવિક રૂપ આપવા માટે સંરક્ષણ
સચિવ રાજેશ કુમાર સિંહ સાથે ભારતીય સંરક્ષણ ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ પણ અબુ
ધાબી પહોંચ્યું હતું. બંને દેશોની કંપનીઓ વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠકો યોજાઈ હતી, જેમાં સંયુક્ત સાહસોની તકો તપાસવામાં આવી હતી. ભારતીય
પ્રતિનિધિમંડળે UAEના તવાઝુન
ઇન્ડસ્ટ્રિયલ પાર્કની મુલાકાત લઈને તવાઝુન ઇકોનોમિક કાઉન્સિલના અધિકારીઓ સાથે
સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા કરી હતી.
ભારત અને UAE વચ્ચેનો આ
સંરક્ષણ સહયોગ જમીન, આકાશ અને
સમુદ્ર ત્રણેય મોરચે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઑક્ટોબર 2026માં ઉત્તરાખંડના ચૌબટિયા ખાતે 5થી 18 ઑક્ટોબર
દરમિયાન બંને દેશોની સેનાઓએ 'માઉન્ટેન
ગાર્જિયન 2026' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ
કર્યો હતો. તેમાં ભારતીય સેનાની ભૈરવ બટાલિયન અને UAEની માઉન્ટેન
ઇન્ફૅન્ટ્રી બટાલિયનના 92 જવાનોએ પહાડી
વિસ્તારોમાં યુદ્ધ, ડ્રોન ઓપરેશન
અને નિરીક્ષણની તાલીમ લીધી હતી. તે પહેલા સપ્ટેમ્બર 2026માં અબુ ધાબીમાં 10મી 'નેવી સ્ટાફ ટોક્સ' પણ યોજાઈ હતી.
વેપાર અને સાંસ્કૃતિક સંબંધોથી શરૂ થયેલી બંને દેશોની મિત્રતા હવે ભવિષ્યના
સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી બની ચૂકી છે.