બાળકના જન્મ પર પુરૂષ કર્મચારીઓને પણ મળશે 15 દિવસની રજા: CM વિજયની જાહેરાત
મુખ્યમંત્રી સી.જોસેફ વિજયનો ઐતિહાસિક નિર્ણય, પ્રથમ બાળકના જન્મ પર ગમે ત્યારે 15 દિવસની રજા મળી શકશે. મહિલાઓ માટે અગાઉથી 365 દિવસની રજાનું પ્રાવધાન હતુ.
તમિલનાડુ સરકારે પુરૂષોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો
છે. પુરૂષને પણ પિતૃત્વની 15 દિવસની રજાનો મહત્વનો ઐતિહાસિક નિર્ણય અંગે જાહેરાત
કરી છે. મુખ્યમંત્રી સી.વિજય જોસેફે આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
સત્તાવાર જાહેરાત સાથે જ જરૂરી આદેશો પણ કર્યા છે. ઈતિહાસમાં પ્રથમ વખત પુરૂષ
કર્મચારીઓને આ પ્રકારની સુવિધા મળવા જઈ રહી છે.
પુરૂષ કર્મચારી દ્વારા રજાની માંગ કરવામાં આવી હતી
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે પુરૂષ કર્મચારીઓ દ્વારા
લાંબા સમયથી પિતૃત્વ રજાની માંગ કરવામાં આવી રહી હતી. કર્મચારીઓની લાગણી અને
જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકના ઉછેરમાં પિતાની ભૂમિકાને મહત્વ આપવાનો છે. જેથી તેઓ
પણ પોતાના નવજાત શિશુની દેખરેખ અને સારસંભાળ કરી શકે.
ગમે ત્યારે પિતૃત્વની રજા મળી શકશે
સરકારે પિતૃત્વ રજાનો લાભ લેવા માટે ચોક્કસ સમયમર્યાદા
નિર્ધારિત કરી છે. નવા નિયમ મુજબ, પરિણીત પુરૂષ સરકારી કર્મચારીઓ બાળકના જન્મના 15
દિવસ પહેલા અથવા બાળકના જન્મ થયાના 6 મહિનાની અંદર ગમે ત્યારે આ 15 દિવસની રજા
મેળવી શકશે. આ વ્યવસ્થાના કારણે કર્મચારીઓને પોતાની અને પરિવારની અનુકુળતા મુજબ
રજા પસંદ કરવાનો પૂરતો વિકલ્પ મળી રહેશે.
બાળકની સાર સંભાળ માટે પિતા પણ એટલા જ જરૂરી
તમિલનાડુ સરકારનું માનવુ છે કે બાળકની સંભાળ અને ઉછેરની
જવાબદારી માત્ર માતા પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ તેમાં પિતાનો સક્રિય સહયોગ
પણ એટલો જ આવશ્યક છે. આ રજા મળવાથી પુરૂષ કર્મચારીઓ બાળકના જન્મ સમયે પોતાના
પરિવાર સાથે રહી શકશે અને જવાબદારીઓ વહેંચી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મહિલા
સરકારી કર્મચારીઓને અગાઉથી જ 365 દિવસની માતૃત્વ રજા આપવામાં આવે છે, ત્યારે પુરૂષ
કર્મચારીઓ માટે હવે 15 દિવસની રજાની શરૂઆત કરવામાં આવી છે.