નોરઈસ્ટર સાયક્લોને વેર્યો અમેરિકામાં વિનાશ, હજારો ફ્લાઈટ્સ રદ્દ, લાખો લોકો અંધારપટમાં
અમેરિકામાં વાવાઝોડાના કારણે લાખો ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ છે અને અંધારપટ છવાઈ ગયો છે. 1800 ફ્લાઈટ્સ મોડી પડી હતી અને 400 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ જ કરવી પડી હતી. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ તટીય વિસ્તારમાં ઉંચા મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
અમેરિકામાં પૂર્વ કિનારે નોરઈસ્ટર નામનું વાવાઝોડુ કહેર
મચાવી રહ્યુ છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા અને આસપાસના વિસ્તારોમાં ભારે
પવન સાથે જોરદાર વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી
છે. ખરાબ હવામાનને કારણે લાખો લોકોની મુસાફરી પ્રભાવિત થઈ રહી છે. થેન્ક્સગિવિંગ
અમેરિકાનો મોટો તહેવાર છે. આ દરમિયાન લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય
વિતાવવા માટે અન્ય શહેરોમાં જાય છે. આવી સ્થિતિમાં હવાઈ મુસાફરીમાં વિલંબને કારણે
મુસાફરોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ફેડરલ એવિએશન
એડમિનિસ્ટ્રેશન (FAA) એ ચેતવણી આપી
છે કે થેન્ક્સગિવિંગના દિવસે પણ ઉત્તર-પૂર્વી અમેરિકામાં ખરાબ હવામાનને કારણે
ઉડાનો પર અસર પડી શકે છે.
ભારે વરસાદ અને પવન સાથે પૂરની પણ શક્યતા
અમેરિકાના પશ્ચિમ કિનારે સમુદ્રમાં ઉઠી રહેલા તીવ્ર મોજાંએ
કિનારે બનેલા અનેક માળખાંને નુકસાન પહોંચાડ્યું છે. સાન ડિયેગોની આસપાસ સમુદ્રનું
પાણી જૂના રેકોર્ડ કરતાં પણ ઉપર પહોંચી ગયું છે. તેના કારણે આસપાસના નીચાણવાળા
વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ વધી ગયું છે. આ દરમિયાન, પૂર્વી કિનારે 2012માં આવેલા
સુપરસ્ટોર્મ સેન્ડી બાદ સમુદ્રનું જળસ્તર સૌથી વધુ રહેવાની આગાહી છે. ડેલાવેર અને
ન્યૂ જર્સીના કેટલાક વિસ્તારોમાં તેજ પવનને કારણે વીજળીની લાઇનો તૂટવાની અને વીજ
પુરવઠો ખોરવાવાનો ભય છે.
કેટલાક ભાગમાં હિમવર્ષાની પણ આગાહી
હવામાનની અસર માત્ર દરિયાકાંઠાના વિસ્તારો સુધી મર્યાદિત
નથી. અમેરિકાના મધ્ય ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી છે. તેના કારણે ઘણા
વિસ્તારોમાં ઠંડી વધુ વધી શકે છે. આ ઉપરાંત પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં વરસાદ
અને તેજ પવનનો વધુ એક તબક્કો શરૂ થવાની આશંકા છે. એટલે કે દેશના અલગ-અલગ ભાગોમાં
લોકોને હાલ ખરાબ હવામાનથી રાહત મળવાની શક્યતા ઓછી છે.