સાઉદી અને હુથીઓ વચ્ચે ફરીથી મિસાઈલ અને ડ્રોન હુમલા
યમનના હુથી બળવાખોરોએ સાઉદીની ઓઈલ રિફાઈનરી પર કર્યો હુમલો, આ પહેલા સાઉદી અરામકો પર હુમલો કર્યો હતો, વર્ષોથી બંને વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ, સાઉદી સંરક્ષિત સંગઠને યમનમાં બોમ્બમારો કર્યો.
યમનના હુથી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે હુમલા ચાલુ થઈ
ગયા છે. હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની તેલ રિફાઈનરી પર હુમલો કરતા વિફરેલ સાઉદીએ
યમનના 50 ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો, જેમાં 19ના મોત થયા છે. સાઉદીની જાજાન
તેલ રિફાઈનરી પર હુથીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક નેપાળીનું મોત થયુ છે.
રાસ તનુરા રિફાઈનરી પર પણ કર્યો હતો હુમલો
આના એક દિવસ પહેલાં હુથીએ સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ
રિફાઇનરી રાસ તનુરા પર પણ હુમલો કરવાનો દાવો કર્યો હતો. હુથી બળવાખોરોના સૈન્ય
સંગઠન અનુસાર, હુમલાને કારણે રાસ તનુરામાં
આગ લાગી. રાસ તનુરા રિફાઇનરી પર હુમલા બાદ અહીં તેલનું લોડિંગ અટકાવી દેવામાં
આવ્યું હતું. જોકે, કામ ફરી શરૂ
થયું કે નહીં તે સ્પષ્ટ નથી. રાસ તનુરા
રિફાઇનરીમાં દરરોજ 5.5 લાખ બેરલ તેલ
શુદ્ધ કરી શકાય છે. આ સાઉદી અરેબિયાના મોટા તેલ કેન્દ્રનો ભાગ છે. આ જ સ્થળેથી
સાઉદી અરેબિયા કાચા તેલની નિકાસ પણ કરતું હતું. સાઉદી ગઠબંધને જણાવ્યું કે તેણે
રાસ તનુરા ઉપર હુથી બળવાખોરોના ચાર ડ્રોન તોડી પાડ્યા. તેમનો કાટમાળ નીચે પડ્યો, પરંતુ કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.
રિયાધમાં સૌથી ઉંચી ઈમારત પર હુમલો
હુથી બળવાખોરોએ રિયાધમાં કિંગ અબ્દુલ્લા ઇકોનોમિક સિટી પર
પણ હુમલાની જવાબદારી સ્વીકારી. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાં 11 લોકો ઘાયલ થયા.
જે ઊંચી ઇમારત પર હુમલો થયો તેમાં સાઉદી અરેબિયાના સરકારી રોકાણ ભંડોળ પબ્લિક
ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF)નું મુખ્યાલય
છે. આ ભંડોળ આશરે 1 લાખ કરોડ
ડૉલરની સંપત્તિનું સંચાલન કરે છે. સાઉદી ગઠબંધને
જણાવ્યું કે આ હુમલો હુથીઓએ ડ્રોન દ્વારા કર્યો હતો. હુથીઓએ છેલ્લા કેટલાક
અઠવાડિયામાં સાઉદી અરેબિયાના અનેક મોટા ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.
પરસ્પર હુમલામાં નિર્દોષોના મોત
સાઉદી ગઠબંધને બુધવારે યમનમાં હુથી બળવાખોરોના કબજાવાળા
વિસ્તારો પર હુમલા કર્યા. ગઠબંધનના જણાવ્યા અનુસાર, તેણે હોદેદા
બંદર ખાતે હુથી બળવાખોરોના ઠેકાણાઓને નિશાન બનાવ્યાં. આ ઉપરાંત સાદા અને અમરાન
પ્રાંતોમાં પણ બોમ્બમારો કરવામાં આવ્યો. બીજી તરફ, હુથી બળવાખોરોએ
દાવો કર્યો કે છેલ્લા 24 કલાકમાં સાઉદી
લડાકુ વિમાનો અને મિસાઇલોએ યમનમાં 109 હુમલા કર્યા. આ
હુમલા સના અને હોદેદા સહિતના અનેક વિસ્તારોમાં કરવામાં આવ્યા. સાઉદી ગઠબંધને
ગુરુવારે જણાવ્યું કે તેણે સના, હુદૈદા અને
સાદા પ્રાંતોમાં હુથીઓના 50 ઠેકાણાઓ પર
હુમલો કરીને તેમને નષ્ટ કરી દીધા છે. ગઠબંધને કહ્યું કે આ તમામ સૈન્ય ઠેકાણાઓ હતા.