ઓસ્ટ્રેલિયા જતા પહેલા રિટર્ન ટિકિટ કરાવવી જરૂરી, વિઝા અવધિ વધશે નહી
ઓસ્ટ્રેલિયાએ ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યો, હવેથી રિટર્ન ટિકીટ જરૂરી, વિઝા અવધિ વધશે નહિ, કેટલીક વિષમ પરિસ્થિતિઓમાં જ ઓસ્ટ્રેલિયન સરકાર અવધિ વધારવા વિચારણા કરી શકે.
ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કર્યો
છે. શનિવારથી વિઝા અરજીઓ પર નો ફર્ધર સ્ટે લગાવવો ફરજિયાત રહેશે. એટલે કે ટૂરિસ્ટ
વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા બાદ ત્યાં રહીને વિઝાની અવધિ વધારી શકાશે નહીં. ભારતીયો
માટે રિટર્ન ટિકિટ કરાવવી જરૂરી રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં મહત્તમ 12 મહિનાની અવધિ માટે વિઝા જારી કરવામાં આવે છે. અરજદાર
રોકાણની અવધિનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ
ઓસ્ટ્રેલિયામાં રહેવાની અવધિ નક્કી કરવાનો નિર્ણય વિઝા જારી કરતા અધિકારી પર જ
નિર્ભર રહે છે.
નવા નિયમોની અસર ભારતથી આવતા મુસાફરો પર પડશે. ઓસ્ટ્રેલિયા
ભારતીયો માટે શિક્ષણ, સેવા અને
બિઝનેસ હબ બન્યું છે. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, 2025 દરમિયાન ઓસ્ટ્રેલિયા આવનારા ભારતીયોની સંખ્યા
વિક્રમી 4.51 લાખ રહી. જ્યારે 2024માં 3 લાખ ભારતીયોને
વિઝા જારી કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ વિઝા ફી પણ 12 હજારથી વધારીને
15 હજાર રૂપિયા કરી દીધી છે. 26 ઑક્ટોબર 2026થી ભારતમાં
ઑસ્ટ્રેલિયન વિઝા અરજી પ્રક્રિયા હેઠળ બાયોમેટ્રિક તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો
છે. નવા નિયમો વિઝિટર વિઝા (સબક્લાસ 600)ની તમામ કેટેગરી,ટૂરિસ્ટ, બિઝનેસ અને ઈ-વિઝિટર પર લાગુ થશે. ઓસ્ટ્રેલિયાનો વિઝા
મેળવવામાં ભારતીયોનો નંબર વિશ્વભરમાં છઠ્ઠો છે. પ્રથમ નંબરે ચીનના લોકો આવે છે. અત્યાર
સુધી ઘણા ભારતીયો એક વર્ષના વિઝિટર વિઝા પર અભ્યાસ પણ કરી લેતા હતા. હવે આવું
કરવું શક્ય નથી. વિઝા પર એક સરેરાશ ભારતીય અહીં 70 દિવસ સુધી રહે
છે. આ બાબતમાં ભારતીયો બીજા નંબરે છે. પ્રથમ નંબરે અમેરિકનો છે. કેટલીક અસાધારણ
કટોકટીની પરિસ્થિતિઓમાં છૂટ મળી શકે છે. પરંતુ તેની પ્રક્રિયા ખૂબ જટિલ હશે.