સીમાંકન બિલ મુદ્દે NCP-DMK નો મળ્યો સાથ, હજુ 6 સાંસદોની ઘટ્ટ
સંસદના વિશેષ સત્ર પૂર્વે સીમાંકન બિલ મુદ્દે વિપક્ષી INDIA ગઠબંધનમાં ભડકો થયો છે. શનિવારે આ મુદ્દે યોજાયેલી બેઠકમાં NCP-SCPના સાંસદો ગેરહાજર રહેતા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે NCP-SCPના આ પગલાને 'પીઠમાં છરો ભોંકવા' સમાન ગણાવી, શરદ પવાર પર ભાજપ સાથે ભળી જવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસે X પર પોસ્ટ કરીને પણ શરદ પવારને રાજ્યસભામાં મોકલવા સહિતના જૂના સમર્થનો યાદ કરાવ્યા અને NCP-SCPના વલણ પર સવાલો ઉઠાવ્યા.
સંસદના વિશેષ સત્ર પૂર્વે સીમાંકન(પરિસીમન) બિલને લઈને શરદ
પવારની પાર્ટી NCP(SP)ના 12 સાંસદો અને તમિલનાડુની DMKના 22 સાંસદો મળીને કુલ 34 સાંસદોએ બિલ પર
કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. સૂત્રોના હવાલે એવી ચર્ચા પણ છે કે
સમર્થનના બદલામાં સાંસદ સુપ્રિયા સુલેને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે, તેમજ મહારાષ્ટ્રમાં પણ મંત્રીપદની માંગણી ઉઠી છે. જોકે, આ 34 સાંસદોના ટેકા છતાં બિલ પસાર કરાવવા માટે જરૂરી બે-તૃતીયાંશ
બહુમતીનો આંકડો હજુ પૂરો થયો નથી. લોકસભામાં 360ના જરૂરી આંકડા
સામે NDA હજુ 6 મત પાછળ છે, જ્યારે
રાજ્યસભામાં 162ના આંકડા સામે 11 મત ખૂટે છે. આ બિલ પસાર થાય તો લોકસભા અને દેશની તમામ
વિધાનસભાઓની બેઠકોમાં 50% સુધીનો વધારો
થવાનો રસ્તો ખુલી શકે છે.
શરદ પવારની પાર્ટી NCP(SP)ના 12 સાંસદો પરિસીમન
બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપશે. પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આની
પુષ્ટિ કરી છે. તેમણે દાવો કર્યો કે શરદ પવાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય
લેવામાં આવ્યો છે. આ દરમિયાન સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે સમર્થનના બદલામાં NCP (SP)ના સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયાને
કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવશે. આ ઉપરાંત પાર્ટીએ રાજ્ય સરકારમાં એક કેબિનેટ
અને બે રાજ્યમંત્રી પદોની પણ માંગણી કરી છે.
તમિલનાડુની પાર્ટી DMKએ સિમાંકન બિલ
પર કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. DMK સંસદીય દળની
બેઠક બાદ સાંસદ એ. રાજાએ કહ્યું કે અમારી પાર્ટી તમિલનાડુના 7.18% હિસ્સામાં કોઈ ફેરફાર ઇચ્છતી નથી. તમિલનાડુમાં
હાલમાં લોકસભાની 39 બેઠકો છે, જે વધીને 59 થવી જોઈએ. એ.
રાજાએ કહ્યું કે DMK અધ્યક્ષે જરૂર
પડે ત્યારે અન્ય સુધારા કરવા માટે પણ તેમને સંપૂર્ણ છૂટ આપી છે. જ્યારે DMKનું કોંગ્રેસ સાથે ગઠબંધન હતું, ત્યારે પણ અમારી આ જ માંગ હતી. પરિસીમનની પ્રક્રિયા
નિષ્પક્ષ રીતે કરાવવા માટે DMKનું વલણ આજે પણ
એ જ છે.
NCP-SPના પ્રમુખ શરદ
પવારને ઉધરસ અને શ્વાસ લેતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ 2 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ
પીએમ મોદીએ તેમને ફોન કર્યો હતો. તેમણે પવારને કહ્યું કે સુપ્રિયા હવે તૈયાર છે.
સુપ્રિયા અને આપણે મળીને દેશ સંભાળીશું. તમે આરામ કરો. પવારે જવાબમાં કહ્યું, 'હું આરામ કરી રહ્યો છું. જ્યારે તમે બધા સાથે છો, ત્યારે મને દેશની કોઈ ચિંતા નથી.' આ માહિતી પવારના નજીકના વિઠ્ઠલ મનિયારે મીડિયાને આપી હતી.
જોકે, શરદ પવાર અને પીએમ મોદીએ આ
વાતચીતની પુષ્ટિ કરી નથી.
મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પણ શરદ પવારની પાર્ટી પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે, અમે 85 વર્ષીય શરદ પવારને ફરીથી રાજ્યસભામાં મોકલવા માટે સંપૂર્ણ
સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે માર્ચમાં યોજાયેલી મહારાષ્ટ્રની રાજ્યસભા ચૂંટણીનો
ઉલ્લેખ કરતા કહ્યું કે રાજ્યની સાત બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી. તે સમયે NCP-SP પાસે માત્ર 10 ધારાસભ્યો હતા, જ્યારે એક ઉમેદવારને જીતવા માટે 36 મતોની જરૂર હતી. તે સમયે તેની પાસે 16 અને શિવસેના (UBT)
પાસે 20 ધારાસભ્યો હતા. કોંગ્રેસે કહ્યું કે મહાવિકાસ અઘાડીએ શરદ
પવારને રાજ્યસભા સાંસદ બનાવવાનું કામ કર્યું.