સ્પેનના કેનરી આઈલેન્ડ નજીક મોટી દુર્ઘટના, પ્રવાસીઓ ભરેલી બોટ પલટી જતા 8ના મોત
સ્પેનના કેનરી આઇલેન્ડ નજીક 100 પ્રવાસીઓથી ભરેલી બોટમાંથી 8 મૃતદેહ મળ્યા છે. એલ હિએરો દ્વીપથી 72 કિલોમીટર દૂર આ બોટ મળી હતી. આ દુર્ઘટનામાં 6 ગંભીર લોકોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ પહોંચાડાયા. હજારો પ્રવાસીઓ દર વર્ષે આ જોખમી દરિયાઈ માર્ગે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરે છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવે છે. આ માનવીય સંકટ અંગે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરાઈ છે.
દર વર્ષે પ્રવાસીઓ પ્રવાસન સ્થળ ગણાતા સ્પેનમાં પહોંચવા
માટે જોખમી દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. આ દરમિયાન અનેક લોકો જીવ પણ ગુમાવે
છે. સ્પેનના કેનરી આઈલેન્ડ નજીક આશરે 100 પ્રવાસીઓથી ભરેલી બોટમાંથી 8 લોકોના
મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં ગંભીર હાલતમાં 6 લોકોને હેલિકોપ્ટર દ્વારા
હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ બોટ એલ હિએરો દ્વિપથી આશરે 39 નોટિકલ માઈલ
દક્ષિણમાં મળી આવી હતી. આ દુર્ઘટના સ્પેનમાં રવિવારે યોજાનારી સામાન્ય ચૂંટણીના
થોડા દિવસ પહેલા બની છે જેના કારણે ચૂંટણીમાં ઈમિગ્રેશનનો મુદ્દો મહત્વનો બન્યો
છે.
એટલાન્ટિક મહાસાગરનો આ માર્ગ દુનિયાના સૌથી જોખમી માર્ગોમાં
ગણાય છે. દર વર્ષે હજારો લોકો ખરાબ હવામાન, ઉંચા દરિયાઈ મોજા અને તીવ્ર પ્રવાહ
વચ્ચે પણ આ જ માર્ગે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરે છે. મોટા ભાગના લોકો ક્ષમતા કરતા
વધુ ભરેલી બોટમાં મુસાફરી કરે છે. જેના કારણે અકસ્માત અને જાનહાનિનું જોખમ વધી જાય
છે. કેનરી આઈલેન્ડના પ્રાદેશિક નેતા ફર્નાન્ડો કલાવિહોએ નવી દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે આ
દુર્ઘટનાથી ભારે દુ:ખ અને લાચારી
અનુભવાઈ રહી છે. ક્લાવિહોએ સ્પેન સરકાર અને યુરોપિયન કમિશનને તાત્કાલિક પગલાં લેવા
અપીલ કરી છે. તેમણે કહ્યું કે માનવીય સંકટની શરૂઆત એલ હિએરોથી નહીં, પરંતુ સેનેગલ અને ગેમ્બિયાના દરિયાકાંઠેથી થાય છે. આ દેશોની
સરકારોએ પણ કાર્યવાહી કરવાની જરૂર છે.
કેનરી આઇલેન્ડમાં ઓક્ટોબરથી પ્રવાસીઓના આગમનમાં ઝડપથી વધારો
થયો છે. 25 નવેમ્બરે એક જ દિવસમાં 2100 પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો
આંકડો હોવાનું સામે આવ્યું છે.આમાંથી મોટાભાગના પ્રવાસીઓ એલ હિએરો દ્વીપ પર
પહોંચ્યા હતા. આ દ્વીપની વસ્તી આશરે 11,400
છે. મોટી
સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે અહીંની વ્યવસ્થા પર પણ દબાણ વધી રહ્યું છે.