સીમાંકન બિલને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મહિલાઓને વીડિયો મેસેજ
18 જૂલાઈનો વીડિયો પોસ્ટ કરી જણાવ્યુ કે મહિલાઓને આપેલુ વચન કોઈ પણ ભોગે પૂરુ કરવામાં આવશે. 30 નવેમ્બરથી લોકસભા અને 2 ડિસેમ્બરથી રાજ્યસભાનું વિશેષ સત્ર યોજાશે. સીમાંકન બિલ અને મહિલા અનામત બિલને લઈને સંસદમાં નવેસરથી ચર્ચાઓ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના આગામી વિશેષ સત્ર પહેલા સોશિયલ મીડિયા સાઈટ X પર વીડિયો પોસ્ટ કર્યો છે. મહિલા અનામતને લઈને વિપક્ષ પર નિશાન સાધતા એક કડક સંદેશ આપ્યો છે અને કહ્યુ કે નારી શક્તિને ભાગીદારી અપાવવાની લડત દાયકાઓથી ચાલી રહી છે, વર્ષોથી હું પણ એના માટે પ્રયાસ કરનારાઓમાંનો એક છું. કેટલીય મહિલાઓ મારી સમક્ષ આ મુદ્દો ઉઠાવતી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે
જ્યારે કેન્દ્ર સરકાર મહિલા અનામત કાયદો લાગુ કરવા અને સીમાંકન સાથે જોડાયેલા પ્રસ્તાવો
પર સંસદમાં નવેસરથી આગળ વધવાની તૈયારીઓ કરી રહી છે. 30 નવેમ્બરથી લોકસભા અને 2
ડિસેમ્બરથી રાજ્યસભાનું વિશેષ સત્ર યોજાવા જઈ રહ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશમાં કહ્યુ કે હું
જાણું છુ કે દેશની 100 ટકા તમામ નારીઓનો આશિર્વાદ મારી સાથે છે. હું દેશની દરેક
નારીને વિશ્વાસ અપાવુ છુ કે મહિલા અનામતના રસ્તામાં આવતી દરેક રૂકાવટને ખતમ કરીશુ.
સરકારનું મનોબળ ઉંચુ છે અને હિંમત પણ અતૂટ છે. ઈરાદો પણ અડગ છે. મહિલા અનામતનો
વિરોધ કરતી પાર્ટીઓ દેશની નારી શક્તિને સંસદ અને વિધાનસભાઓમાં તેમની ભાગીદારી
વધારવાથી ક્યારેય રોકી શકશે નહીં. હવે માત્ર સમયની રાહ છે.
મહિલાઓને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં 33% અનામત આપવા માટે સંસદે સપ્ટેમ્બર 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો. આ કાયદો
લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની
જોગવાઈ કરે છે. તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોમાં પણ
મહિલાઓ માટે એક-તૃતીયાંશ અનામત સામેલ છે. જોકે, કાયદો પસાર થવા
છતાં તેનો તાત્કાલિક અસરથી અમલ થવો શક્ય ન બન્યું. કાયદામાં અનામતને આગામી વસ્તી
ગણતરીના આંકડાઓ અને ત્યારબાદ થનારા સીમાંકન સાથે જોડવામાં આવ્યું હતું. આ
પ્રક્રિયાના કારણે મહિલા અનામતનો વાસ્તવિક અમલ 2029ની લોકસભા
ચૂંટણી પહેલાં થવા અંગે અનિશ્ચિતતા બનેલી હતી. મહિલા અનામતને ઝડપથી લાગુ કરવા માટે
સરકારે એપ્રિલ 2026માં સંસદના
વિશેષ સત્ર દરમિયાન બંધારણ સુધારા સાથે જોડાયેલા પ્રસ્તાવો રજૂ કર્યા હતા. પરંતુ
લોકસભામાં બંધારણ સુધારા ખરડો જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવી શક્યો નહીં.
ત્યારબાદ પરિસીમન સંબંધિત અન્ય ખરડાઓને પણ આગળ વધારવામાં ન આવ્યા.
મહિલા અનામત અને સીમાંકન પરના અગાઉના પ્રયાસ બાદ કેન્દ્ર
સરકારે હવે નવેસરથી કાયદાકીય પહેલની તૈયારી કરી છે. 27 નવેમ્બરે કેન્દ્રીય મંત્રીમંડળે બંધારણીય સુધારા સાથે
જોડાયેલા નવા પ્રસ્તાવને મંજૂરી આપી છે. પ્રસ્તાવ હેઠળ લોકસભા અને રાજ્ય
વિધાનસભાઓની બેઠકોની સંખ્યા વધારવાની સાથે મહિલા અનામતને લાગુ કરવાનો માર્ગ તૈયાર
કરવાની યોજના છે. નવા પ્રસ્તાવમાં લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 850 સુધી અને વિધાનસભાઓની મહત્તમ સભ્ય સંખ્યા 650 સુધી કરવાની જોગવાઈ જણાવવામાં આવી છે. આ અંતર્ગત સીમાંકન
દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા બેઠકો તથા વિધાનસભા બેઠકોમાં
વર્તમાન સંખ્યાની સરખામણીએ 50 ટકા વધારાનો
પ્રસ્તાવ છે. મતવિસ્તારોની સીમાઓ 2011ની વસ્તી
ગણતરીના આધારે નક્કી કરવાની યોજના છે. સરકાર તરફથી રાજ્યો વચ્ચે લોકસભા બેઠકોના
વર્તમાન ગુણોત્તરને 2051 સુધી સુરક્ષિત
રાખવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે. આનો ઉદ્દેશ્ય સીમાંકન બાદ રાજ્યો વચ્ચે
પ્રતિનિધિત્વના પ્રમાણમાં મોટા ફેરફારને લઈને ઉઠી રહેલી ચિંતાઓનું સમાધાન કરવાનો
જણાવવામાં આવી રહ્યો છે.