નેતન્યાહુની વિચિત્ર સ્થિતિ, PM પદ પર રહેવા માટે આઈઝેનકોટ સાથે ગઠબંધન કરવા તૈયાર
ઈઝરાયલમાં નવી સરકાર રચના મુદ્દે રાજકીય અનિશ્ચિતતા યથાવત છે. વડાપ્રધાન નેતન્યાહૂએ રોટેશનના આધારે વડાપ્રધાન પદ માટે ગાદી આઈઝનકોટને પ્રસ્તાવ મૂક્યો છે. 120 સભ્યોની સંસદમાં, નેતન્યાહૂના ગઠબંધનને 53 અને આઈઝનકોટના ગઠબંધનને 48 બેઠકો મળી છે. જો આઈઝનકોટ 6 ડિસેમ્બર સુધી બહુમતી સાબિત નહીં કરે, તો નેતન્યાહૂને તક મળશે. બંને નિષ્ફળ જશે તો ફરી ચૂંટણી યોજાઈ શકે છે.
ઈઝરાયલમાં પ્રધાનમંત્રી પદને લઈને હજુ પણ રાજકીય અનિશ્ચિતતા
યથાવત જ છે. હાલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ તેમના રાજકીય હરીફ ગાદી
આઈઝેનકોટને અનૌપચારિક માધ્યમથી રોટેશનના આધારે પ્રધાનમંત્રી પદ આપવાનો પ્રસ્તાવ
મૂક્યો છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. આ ફોર્મૂલા હેઠળ બંને નેતાઓ વારાફરતી
પ્રધાનમંત્રી બની શકે છે. જેમાં નેતન્યાહુ પોતે બીજા તબક્કામાં પ્રધાનમંત્રી બનવા
તૈયાર હોવાનું કહેવાય છે.
હમાસના હુમલા અને ઈરાન સાથેના સંઘર્ષ બાદ 27 ઓક્ટોબરે
યોજાયેલી ચૂંટણીમાં કોઈ પણ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી નથી. નેતન્યાહુના નેતૃત્વ
હેઠળનું ગઠબંધન બહુમતી મેળવવામાં નિષ્ફળ રહેતા સત્તામાં ટકી રહેવા માટે આ પ્રસ્તાવ
મુકવામાં આવ્યો છે. જો કે નેતન્યાહુના સૌથી નજીકના સાથીઓમાં પણ આ નિર્ણયને લઈને
સંપૂર્ણ સહમતી મળી નથી.
120 સભ્યોની ઈઝરાયલી સંસદમાં
સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર
છે. ચૂંટણી પરિણામો મુજબ નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળી છે, જ્યારે આઈઝનકોટના ગઠબંધનને 48 બેઠકો પ્રાપ્ત
થઈ છે. આ ઉપરાંત આરબ પાર્ટીઓ 'રામ' અને 'જોઈન્ટ લિસ્ટ'ને 19 બેઠકો મળી છે, જેનાથી સરકારની રચનામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની છે.
જોકે, નેતન્યાહૂ અને આઈઝનકોટ બંને
અગાઉ આરબ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે આ મહિનાની શરૂઆતમાં આઈઝનકોટને
સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને બહુમતી સાબિત કરવા માટે 6 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો આઈઝનકોટ નિષ્ફળ રહેશે તો
રાષ્ટ્રપતિ નેતન્યાહૂને તક આપી શકે છે. જો બંને નેતાઓ સરકાર બનાવવામાં નિષ્ફળ રહે, તો ઈઝરાયલમાં ફરીથી ચૂંટણી યોજવાની નોબત આવી શકે છે.
નેતન્યાહૂના આ પ્રસ્તાવને લઈને ગાદી આઈઝનકોટ હાલ ખૂબ જ
સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. તેમણે તેમના ગઠબંધનના સાથી યાયર ગોલાન અને 'યિસરેલ બેઈતેનુ'
પાર્ટીના
પ્રમુખ એવિગડોર લિબરમેનને વચન આપ્યું છે કે તેમની મંજૂરી વિના તેઓ નેતન્યાહૂ સાથે
મળીને સરકાર નહીં બનાવે. બીજી તરફ, તેમના અન્ય એક
સાથી નફતાલી બેનેટે જાહેરમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટી સાથે મળીને એકતા સરકાર
બનાવવાનું સમર્થન કર્યું છે.
અગાઉ એવિગડોર લિબરમેને એવી આશંકા વ્યક્ત કરી હતી કે
નેતન્યાહૂ આવો પ્રસ્તાવ મૂકી શકે છે. લિબરમેનના મતે, ભ્રષ્ટાચારના
કેસોનો સામનો કરી રહેલા નેતન્યાહૂ સરકાર બનાવવાની પ્રક્રિયાને અટકાવવા અને
વાતચીતને છેલ્લી ઘડી સુધી ખેંચીને દેશને ફરી એકવાર ચૂંટણી તરફ ધકેલવાનો પ્રયાસ કરી
શકે છે.